પત્નીએ ફિલ્મી ઢબે પતિના અનૈતિક સંબંધોનો કર્યો પર્દાફાશ, બાઇકમાં GPS લગાવી હોટેલમાંથી પકડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ પતિના બહાર ચાલતા અનૈતિક સંબંધોની હકીકત મેળવવા માટે પતિની મોટરસાઇકલમાં જીપીએસ (GPS) ટ્રેકર લગાવી સમગ્ર કરતૂતનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ રોડ પર આવેલી હોટેલ બહાર પતિ અન્ય મહિલા સાથે ઝડપાઈ જતાં તેણે પત્નીને ધક્કો મારી રસ્તા પર પાડી દીધી હતી અને મહિલાને રિક્ષામાં ભગાડી દીધી હતી. આ મામલે મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખાનપુરમાં રહેતી 40 વર્ષની મહિલા વર્ષ 2012માં લગ્ન થયા બાદથી જ પતિ સોહેલ પઠાણ દ્વારા દહેજ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ખાનપુરમાં ફ્લેટ ખરીદવા માટે પરિણીતાના પિતાએ રૂ. 2.70 લાખ રોકડા અને 7.5 તોલા સોનું આપ્યું હતું. દરમિયાન પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાની સતત શંકા જતાં પરિણીતાએ પતિની બાઇકમાં ગુપ્ત રીતે જીપીએસ ટ્રેકર ફિટ કરી દીધું હતું. ગત 31 મેના રોજ પતિએ પોતાની દુકાનના સીસીટીવી અને મોબાઇલ બંધ રાખ્યા હતા.
બપોરે મોબાઇલ શરૂ થતાં જ ટ્રેકરમાં તેનું લોકેશન એરપોર્ટ રોડ સ્થિત હોટેલ ખાતે મળ્યું હતું. પરિણીતા તુરંત ત્રણેય બાળકો સાથે ત્યાં પહોંચી ગઈ હતી અને પતિને અજાણી મહિલા સાથે બાઇક પર રંગેહાથ પકડી પાડ્યો હતો. પરિણીતાએ હોટેલ બહાર પતિને રોકી મહિલા બાબતે પૂછતાં પતિએ પ્રથમ 'આ મારી બીજી પત્ની છે' તેમ કહ્યું હતું અને ત્યારબાદ 'હું તેની સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાનો છું' તેવું રટણ શરૂ કર્યું હતું.
પરિણીતાએ તેનો વિરોધ કરતાં પતિએ તેને ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને ભારે ટ્રાફિક વચ્ચે મહિલાને રિક્ષામાં બેસાડી ભગાડી મૂકી હતી. સમગ્ર મામલે 112 પર કોલ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં પરિવારે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં પતિએ તલાક આપવાની ધમકી આપી હતી. જેથી કંટાળી પરિણીતાએ આ મામલે પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફિલ્મી ઢબે વૉચ રાખી પર્દાફાશ કર્યો……
પરિણીતાને અગાઉ 1 માર્ચ અને 4 એપ્રિલ 2025ના રોજ પણ જીપીએસ ટ્રેકર મારફતે પતિ ગાંધીગ્રામની એક હોટેલમાં ગયો હોવાનું લોકેશન મળ્યું હતું. તે વખતે પરિણીતા પોતાના સંબંધી સાથે હોટેલ પહોંચી હતી અને પાર્કિંગમાં બાઇક પણ જોઈ હતી, પરંતુ હોટેલ મેનેજરે સીસીટીવી ફુટેજ આપવાનો ઇન્કાર કર્યો હતો અને પતિ ત્યાંથી ઉતાવળમાં નીકળી ગયો હતો. સતત મળતા પુરાવા છતાં પતિ વાત માનવા તૈયાર નહોતો. આખરે 31 મેના રોજ પતિએ દુકાનના સીસીટીવી અને ફોન બંધ કરતાં જ પરિણીતા એલર્ટ થઈ ગઈ હતી. જીપીએસમાં એરપોર્ટ રોડની હોટેલનું સચોટ લોકેશન આવતાં જ પરિણીતા ત્રણેય બાળકો સાથે હોટેલ પહોંચી પતિને રંગેહાથ ઝડપી લીધો હતો.




