'તુ અમારી વચ્ચે કેમ પડે છે...' વટવાના ચાર માળિયામાં સાળા પર બનેવીએ છરીના ઘા ઝીંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vatva Crime news : વટવાના ઇન્સાનિયતનગર ચાર માળિયામાં બહેન અને બનેવી વચ્ચે થતા ઝઘડામાં વચ્ચે પડીને સમજાવટ કરનાર સાળા પર બનેવીએ ઉશ્કેરાઈને છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 22 તારીખે સાંજના સમયે વટવામાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 24 વર્ષીય સાળાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વટવાના ઇન્સાનિયતનગર ચાર માળિયામાં રહેતા અને છૂટક મજૂરી કરતા 24 વર્ષીય ગગન ઉર્ફે માયા નારણભાઈ કાનજીભાઈના બહેન આશાબેન (ઉં.વ. 35)ના પતિનું ચારેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ આશાબેને ઇન્સાનિયતનગર ચાર માળિયામાં રહેતા શાહબાઝ ઉર્ફે બોબડો સાઓ અનવરખાન પઠાણ (ઉં.વ. 30) સાથે પુનઃલગ્ન કર્યા હતા. 22 ઓક્ટોબર ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ શાહબાઝ અને આશાબેન વચ્ચે બ્લોકની નીચે ઝઘડો અને બોલાચાલી થઈ રહ્યા હતા. આથી ગગન ત્યાં પહોંચ્યો હતો અને બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ વાતથી ઉશ્કેરાઈને શાહબાઝે ગાળો ભાંડી હતી અને 'તું અમારા વચ્ચે કેમ પડે છે?' કહી ઝઘડો કર્યો હતો. ઝઘડો વધુ ન વધે તે માટે ગગન ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારપછી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ ગગન વટવા ઉમંગ ફ્લેટ પાસે આવેલી મેડિકલ દુકાનના પગથિયા પાસે એકલો બેઠો હતો, ત્યારે શાહબાઝ અચાનક ત્યાં ધસી આવ્યો હતો. તેના હાથમાં છરી હતી અને તે એકદમ ઉશ્કેરાયેલો હતો.
શાહબાઝે ગગનને જાનથી મારી નાખવાના ઇરાદે છરીથી હુમલો કર્યો હતો. ગગન ખસી જતાં છરીનો ઘા તેના ડાબા કાનના ભાગે વાગ્યો હતો. ત્યારબાદ શાહબાઝે બીજો ઘા જમણા હાથના બાવડાના ભાગે ઝીંકી દીધો હતો. ગગને બૂમાબૂમ કરતાં શાહબાઝ ત્યાંથી ભાગી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગગનને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ સમગ્ર મામલે વટવા પોલીસે હુમલાખોર શાહબાઝ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




