Ahmedabad

મંદિરે દર્શન કરવા ગયા અને ઘરે તિજોરી ખાલી... અમદાવાદના નારોલમાં તસ્કરો ત્રાટક્યાં, 6.53 લાખના દાગીના-રોકડ ચોરી ફરાર

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ પ્રાર્થનાનગરમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ 6.53 લાખની મતા ચોરી કરી છે. 54 વર્ષીય વિધવા મહિલા જશોદાબેન રાવલ ઘરે એકલાં હતાં ત્યારે અજાણ્યા ચોરોએ તિજોરી તોડી 5 તોલા સોનું અને 53 હજાર રોકડા ચોરી લીધા. સવારે દૂધના પૈસા લેવા જતા ચોરીની જાણ થઈ હતી. નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંદિરે દર્શન કરવા ગયા અને ઘરે તિજોરી ખાલી... અમદાવાદના નારોલમાં તસ્કરો ત્રાટક્યાં, 6.53 લાખના દાગીના-રોકડ ચોરી ફરાર

Ahmedabad Narol Crime News : ​શહેરના નારોલ વિસ્તારમાં આવેલા પ્રાર્થનાનગરમાં તસ્કરોએ એક રહેણાક મકાનને નિશાન બનાવી તિજોરીનું ખાનું તોડી રૂ. 6.53 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. નારોલ મટનગલી ખાતે સિલાઈ કામ કરતી અને છેલ્લા 20 વર્ષથી પુત્ર સાથે રહેતી 54 વર્ષીય વિધવા મહિલાના પુત્ર દર્શને ગયો હોવાથી તેઓ ઘરમાં એકલાં હતાં. દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી રૂ. 6 લાખની કિંમતનું આશરે 5 તોલા સોનું તથા રૂ. 53 હજાર રોકડા મળી કુલ રૂ. 6.53 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. સવારે ઊઠીને મહિલાએ દૂધના પૈસા લેવા તિજોરી તપાસતાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી, જેને પગલે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નારોલ રંગોલીનગર પાસે આવેલા 13-પ્રાર્થનાનગરમાં 54 વર્ષીય જશોદાબેન દીપકકુમાર રાવલ પોતાના 22 વર્ષીય પુત્ર ઉત્સવ સાથે રહે છે અને નારોલ મટનગલી ખાતે સિલાઈ કામ કરે છે. તેમના પતિનું વર્ષ 2021માં અવસાન થયું હતું. ગત 23 ઓક્ટોબર 2026ના રોજ પુત્ર ઉત્સવ ઉજ્જૈન મહાકાલ મંદિર ખાતે દર્શન કરવા ગયો હતો, જેથી જશોદાબેન ઘરમાં એકલાં હતાં. 25 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે તેમણે વસ્તુ લેવા તિજોરી ખોલી ત્યારે તમામ ઘરેણાં અને રોકડ સલામત હતાં. ત્યારબાદ તેઓ નોકરી પર ગયાં હતાં અને સાંજે 5 વાગ્યે ઘરે પરત ફર્યાં હતાં. સાંજે 6 વાગ્યે બારેજા દર્શન કરવા ગયા બાદ રાત્રે 10 વાગ્યે ઘરે આવ્યા પછી જમી-પરવારીને રાત્રે 11 વાગ્યાની આસપાસ સૂઈ ગયાં હતાં.

​બીજા દિવસે તા. 26 ઓક્ટોબરના રોજ સવારે 7 વાગ્યે જશોદાબેન દૂધના પૈસા લેવા માટે રૂમમાં રહેલી તિજોરી પાસે ગયાં ત્યારે તિજોરી તથા તેની અંદરનું નાનું ખાનું તૂટેલી અને ખુલ્લી હાલતમાં જોવા મળ્યું હતું. ખાનામાં રાખેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂ. 6.53 લાખની મતા ગાયબ હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.