અમદાવાદના શેલામાં સોસાયટીઓમાં ત્રીજા-બીજા બેઝમેન્ટમાં વગર વરસાદે પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Waterlogging Hits Shela Societies in Ahmedabad: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રોકેટ ગતિએ વિકસી રહેલા શેલામાં સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના યોગ્ય આયોજનના અભાવે લોકોને ડગલેને પગલે હાડમારી વેઠવાની નોબત આવે છે. ચોમાસામાં ગોઠણથી કમરડૂબ પાણી અહીં ભરાયા હતા. પરંતુ વગર વરસાદે અનેક સોસાયટીઓના ત્રીજા અને બીજા બેઝમેન્ટમાં પાણી ભરાતા આશ્ચર્ય સાથે સ્થાનિક રહીશો માટે એક નવી મુશ્કેલી શરૂ થઈ છે.
આયોજન વગરના વિકાસના માઠા પરિણામો લોકોને ભોગવવાનો વારો આવ્યો: મ્યુનિ.-ઔડામાં ફરિયાદો
શેલા વિસ્તારમાં ક્લબ ઓ-7 રોડ પર આવેલી મોટાભાગની ઇમારતો હાઈરાઈઝ છે. જેમાં બેથી ત્રણ માળ સુધીના બેઝમેન્ટ પાર્કિંગ અને કેટલીક કોમન ફેસિલિટિ ઉભી કરવામાં આવી છે. કેટલાક દિવસોથી અહીંની 15-20 જેટલી સોસાયટીઓના બેઝમેન્ટમાં વગર વરસાદે પાણી ભરાયા છે. જમીનમાંથી ફૂટેલી સરવાણીના પાણીને સિમેન્ટ કોંક્રીટનું તળિયું રોકી શકતું નથી. સ્થાનિક રહેવાસીઓએ લાચારી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બે-ત્રણ ઈંચથી લઈને અડધો ફૂટ સુધીના પાણી ત્રીજા અને બીજા બેઝમેન્ટમાં ભરાઈ રહ્યા છે. આ મામલે મ્યુનિ. કોર્પોરેશન અને ઔડામાં ફરિયાદો કરવામાં આવી છે. અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરવા પણ આવે છે, પરંતુ બાદમાં આગળની કોઈ કાર્યવાહી થઈ રહી છે. કેટલીક સોસાયટીઓમાં બેઝમેન્ટમાં ઊભી કરવામાં આવેલી કોમન સુવિધાઓમાં નુકસાની થઈ છે. બેઝમેન્ટમાં પોતાના વાહનો પાર્ક કરતા લોકો ડર અનુભવે છે. બિલ્ડિંગના બાંધકામને પણ નુકસાની થઈ રહી છે.
શા કારણો પ્રશ્ન પેદા થયો?
સામાન્ય રીતે એક માળની ઊંચાઈ 10 ફૂટની હોય છે. આ ગણતરી મુજબ ત્રણ બેઝમેન્ટમાં 30થી 35 ફૂટનું ખોદકામ થયેલું હોય છે. પાણીના તળ ખૂબ સારા હોય તો આટલા ફૂટના બોરમાં પાણી આવી જાય છે! આ પદ્ધતિ અનુસાર જ હાલમાં ચોમાસાનું જમીનમાં સંગ્રહાયેલું પાણી બહાર આવી રહ્યું છે. બીજી તરફ જૂના વહેણ અને પાણીના સ્ત્રોત પૂરી દેવામાં આવતા હવે પાણીનો નિકાલ થઈ શકતો નથી.
હવે વિકલ્પ શું?
સૂત્રોના જણાવ્યાનુસાર, શેલા સહિતના આસપાસના વિસ્તારમાં આવેલા નાના-મોટા તળાવો 20-25 ફૂટ જેટલા ઊંડા ઉતારવામાં આવે તો પ્રશ્ન ઉકેલાઈ શકે છે. તળાવો અને નાના-મોટા નાળા સહિતના વરસાદી પાણીના વહેણોનો કાંપ કાઢીને તેની સફાઈ જરૂરી છે. કુદરતી પાણીના વહેણો ખુલ્લા નહીં થાય તો ભવિષ્યમાં આ પ્રશ્ન વધારે વકરશે.




