અમદાવાદના 14 વૉર્ડમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ! કોમનવેલ્થના આયોજનની તૈયારી વચ્ચે શરમજનક હકીકત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Water Crisis: અમદાવાદમાં એક તરફ કોમનવેલ્થ ગેમ્સ-2030ના આયોજન અને ઓલિમ્પિકની યજમાની લેવાની તૈયારીઓ થઈ રહી છે. સામાપક્ષે સત્ય એવું છે કે, સ્માર્ટસિટીના 48માંથી 14 વોર્ડમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવા ટેન્કર દોડાવવા પડે છે. અમદાવાદમાં શિયાળાની શરૂઆતથી જ પાણીની સંભવિત કટોકટી ચર્ચાના ચકડોળે ચડી છે. મ્યુનિસિપલનો ઈજનેર વિભાગ અને શાસકો પાણીની ગંભીર સ્થિતિ છુપાવવા સબ સલામત હોવાનો દાવો કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદા જ સંકેત આપી રહી છે.
વિકાસનું આ કેવું મોડલ છે?
શહેરના ચાર ઝોનમાં 1.71 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્કરના 35 હજારથી વધુ ફેરા દોડાવવા તૈયારી ચાલી રહી છે. વિકાસનું આ કેવું મોડલ છે? તે સમજાતું નથી. અમદાવાદ શહેરને એક તરફ દુબઈ જેવા વૈશ્વિક શહેરોની હરોળમાં મૂકવાની વાતો ચાલે છે. બીજી તરફ અહીં હજારો લોકોને પીવાનું પાણી મળતું નથી. ગામડાઓમાં પાણી વિતરણની વ્યવસ્થા ન હોય તે સમજી શકાય, પરંતુ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા શહેરમાં પણ લોકોને પીવાનું પાણી ન મળતું હોય, તે બાબત શરમજનક છે.
નળથી નર્મદાનું જળ આવતું હોવાની ગુલબાંગો વચ્ચે મેગા સિટીમાં પણ કેટલાક વિસ્તારમાં સવાર-સાંજ લોકોને ગામડાની માફક ટેન્કરની સામે ડોલ, બેડાં લઈને પાણી ભરવા માટે કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે. અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ઝોનના વિવિધ વિસ્તારોના લાખો રહીશોને પાણી પૂરું પાડવા નિયમિત ટેન્કર દોડાવવા પડે છે. પાણીની લાઈનોમાં બ્રેકડાઉન, રીપેરિંગ, પ્રદૂષણ અને ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની ફરિયાદોના લીધે ટેન્કર મોકલાય છે, તેવો જવાબ આપી મ્યુનિસિપલના અધિકારીઓ દ્વારા લૂલો બચાવ કરાયો છે. જ્યારે હકીકતમાં કેટલાક વિસ્તારોમાં બારેમાસ લોકો ટેન્કરના સહારે જીવી રહ્યા છે. પાંચ હજાર લિટરના ટેન્કરના એક ફેરા માટે મ્યુનિસિપલ દ્વારા એજન્સીઓને 450 રૂપિયા ચૂકવવામાં આવે છે.
જ્યારે 14 વોર્ડમાં વર્ષે 1.71 કરોડ રૂપિયાના ખર્ચે 35 હજારથી વધુ ફેરા દોડાવવા પડે છે. એટલે ચોવીસ કલાક પાણી મળવાની વાત તો દૂર રહી, શહેરીજનોને પૂરતું પાણી મળે તે પણ નસીબની વાત છે! આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બની શકે તેવા એંધાણ લાગે છે.
અમદાવાદમાં પાણીની સ્થિતિ વિશે કોણ શું કહે છે?
ઈજનેર વિભાગ (વોટર પ્રોજેક્ટ): આખા શહેરમાં ક્યાંય નિયમિત પાણીના ટેન્કર ચાલતા નથી. ફક્ત લાઈનના બ્રેકડાઉન સમયે સમારકામ ચાલતું હોય તેટલા સમય માટે જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટેન્કરથી પાણી પૂરું પડાય છે.
વોટર સપ્લાય અને સ્યુએરેજ કમિટીના ચેરમેન: શહેરના તમામ વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચે છે. પાણીનો કોઈ પ્રશ્ન નથી અને નવા બોરવેલની પણ હાલ જરૂર નથી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: ઉનાળાને ધ્યાને લઈ સર્વિસ સ્ટેશન, પીજી, હોસ્ટેલ જેવા મોટા સંકુલોમાં નિયંત્રણ વગર પાણીનો વપરાશ અને ગેરકાયદે જોડાણ સામે કાર્યવાહી કરાશે.




