અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફટાકડા ફોડવા મુદ્દે હિંસક અથડામણ, આરોપીઓનું પોલીસે કર્યુ રિકન્સ્ટ્રક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Science City Road Firecracker Clash: અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા 'એમ્પાયર સ્કાયવ્યુ' એપાર્ટમેન્ટ બહાર 8 નવેમ્બર 2026ની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. બોડકદેવ પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે, અને બાકીના શકમંદોની શોધખોળ ચાલુ કરી છે. બીજી બાજુ પોલીસે આરોપીઓમાં ડરનો માહોલ ઉભો થાય અને રહીશોને સુરક્ષાની અનુભુતિ થાય તે માટે આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું.
રિકન્સ્ટ્રક્શન પર સ્થાનિકોએ શું કહ્યું?
ફ્લેટના સ્થાનિકોએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે તેઓ પરિવાર, બાળકો અને વડીલો સાથે સોસાયટીના ગ્રાઉન્ડમાં શાંતિથી દિવાળી મનાવી રહ્યા હતા, ત્યારે કેટલાક છોકરાઓ તેમની તરફ ફટાકડા ફેંકી રહ્યા હતા. બે-ત્રણ વાર ના પાડવા છતાં તેઓ ન માન્યા અને અપશબ્દો ઉચ્ચારી મારામારી પર ઉતરી આવ્યા હતા. બાદમાં તેઓ 10થી 15 જણાને લઈને લાકડીઓ સાથે આવ્યા અને હુમલો કર્યો. થોડીવાર પછી આશરે 30 લોકો લાકડી, દંડા અને લોખંડની પાઈપો લઈને ફરી આવ્યા અને મહિલાઓ તથા બાળકો પર પથ્થરમારો કર્યો. ભયાનક માહોલમાં ચેરમેનને બચાવવા માટે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પોલીસે કરેલી કાર્યવાહીથી તેઓને રાહત મળી છે.
સોસાયટીના ચેરમેને જણાવ્યું કે, ગઈકાલે રાત્રે હુમલાખોરો એટલા ઉશ્કેરાયેલા હતા કે, તેઓ મહિલાઓ અને દીકરીઓ સહિત તમામને મારવાના ઈરાદે સીધા તૂટી પડ્યા હતા. તેમણે વચ્ચે બચાવવા પડેલા લોકોને પણ માર માર્યો હતો. આ ગંભીર બાબતમાં પોલીસે ખૂબ સારો સહકાર આપીને તાત્કાલિક ધોરણે આશરે 50 ટકા જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, અને ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. હવે તેમની એક જ માંગ છે કે, બાકી રહેલા તમામ આરોપીઓ ઝડપથી પકડાય અને તેમની સામે કડક કાર્યવાહી થાય, જેથી ભવિષ્યમાં આ વિસ્તારમાં ફરી ક્યારેય આવા અસામાજિક બનાવો ન બને.
કોની કોની સામે ગુનો દાખલ?
8 નવેમ્બરની રાત્રે થયેલા આ હુમલામાં પોલીસે મિલન રબારી, મિત દેસાઈ, મૌલિક દેસાઈ, રાહુલ દેસાઈ, દક્ષ દેસાઈ, જવલ દેસાઈ, હેત દેસાઈ, સેંધા રબારી, લાલો રબારી, રગનેશ દેસાઈ, વિહાજી રબારી, પ્રાંશુ કોઈટાવાડ, અર્જુન દેસાઈ, વિશ્વાસ કાલી સામે ગુનો દાખલ કર્યો છે.
15 આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો
ઘટનાની જાણ થતાં જ બોડકદેવ પોલીસ સ્ટેશનની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સોસાયટીના સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પીડિત જીગર પટેલની ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને 15 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંગત અદાવતમાં જૂથ અથડામણ અને ફાયરિંગ
44 વર્ષીય વેપારી જીગર પટેલની ફરિયાદ મુજબ, 6 નવેમ્બરની રાત્રે 10:30 વાગ્યે સોસાયટી બહાર ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો, જે તે સમયે વિવાદ શાંત પડી ગયો હતો. પરંતુ 8 નવેમ્બરની રાત્રે જૂની અદાવતમાં આરોપીઓએ સોસાયટી તરફ રોકેટ ફોડતાં ફરી વિવાદ શરુ થયો હતો.
લાકડીઓથી હુમલો: 20 થી 25 લોકોના ટોળાએ લાકડીઓ અને ડંડા સાથે સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હતો. જેમાં જિગ્નેશ પટેલ, જિગ્નેશ બાવા, હિતેશ પટેલ, રાકેશ પટેલ અને મૌલિક પટેલ ઈજાગ્રસ્ત થયા હતા.
હવામાં ફાયરિંગ: સ્વબચાવ અને સોસાયટીના સભ્યોને બચાવવા માટે રાકેશ પટેલે પોતાની લાયસન્સ વાળી પિસ્તોલમાંથી હવામાં 2 થી 3 રાઉન્ડ રક્ષણાત્મક ફાયરિંગ કર્યું હતું, જેના પછી ટોળું ભાગી ગયું હતું.
સારવાર અને કાનૂની કાર્યવાહી
માથામાં ગંભીર ઈજાના કારણે 12 ટાંકા આવતાં જિગ્નેશ બાવાને સોલા સિવિલમાંથી વધુ સારવાર અર્થે સાયન્સ સિટી રોડ સ્થિત શેલબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોડકદેવ પોલીસે 9 નવેમ્બર 2026 ના રોજ BNS હેઠળ 14 નામાંકિત અને 20-25 અજ્ઞાત લોકો સામે FIR નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે.




