અમદાવાદમાં અનરાધાર વરસાદ, નવસારીમાં પૂર, વલસાડમાં 24 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો; 6 જિલ્લામાં સ્કૂલ-કૉલેજમાં રજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain In Ahmedabad, Gujarat Rain Update: ચોમાસાની સક્રિય બનેલી સિસ્ટમના પગલે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અમદાવાદમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારીમાં પૂરની સ્થિતિ અને વલસાડમાં છેલ્લા 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લાઓમાં તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદમાં અનરાધાર વરસાદ
અમદાવાદ શહેરમાં ગુરુવારે(23 જુલાઈ) વહેલી સવારથી જ મેઘરાજાએ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં તો માત્ર ગણતરીના કલાકોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીમાં અમદાવાદના બાકરોલમાં 17 ઈંચથી વધુ, બોપલમાં સાડા 15 ઈંચ તેમજ સરખેજ, જોધપુર, થલતેજ અને બોડકદેવ જેવા વિસ્તારોમાં 14 થી 15 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદના કારણે પ્રહલાદનગર, બોપલ અને સેટેલાઈટ જેવા પોશ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક વાહનચાલકોને હાલાકી પડી હતી.
વલસાડ-નવસારીમાં મેઘતાંડવ
દક્ષિણ ગુજરાતમાં પણ પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા છે.
બીજી તરફ, વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ખાબકેલા અનરાધાર વરસાદને પગલે 24 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. જ્યારે નદી-નાળા છલકાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને અનેક માર્ગો સંપર્કવિહોણા બન્યા છે.
અમદાવાદ સહિત 6 જિલ્લાની સ્કૂલ-કોલેજોમાં રજા
દક્ષિણ ગુજરાતમાં પૂરની ગંભીર પરિસ્થિતિને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સાવચેતીના પગલારૂપે અમદાવાદ, પંચમહાલ, વલસાડ, તાપી, ભરૂચ, વડોદરા સહિત પ્રભાવિત જિલ્લાઓની તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, જ્યારે AMC દ્વારા સંચાલિત તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની મદદ માટે તાત્કાલિક હેલ્પલાઈન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

5 દિવસ ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્ય પર હજુ પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નદી-નાળા અને જળબંબાકારવાળા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને NDRF-SDRFની ટુકડીઓને સ્ટેન્ડબાય રાખી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.










