ધોળકાના 5 ગામના લોકોનું અલ્ટીમેટમ, કેમિકલયુક્ત પાણીનો ઉકેલ નહીં આવે તો ભાજપ MLA ના ઘરે ટેન્કરો ઠાલવીશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Protest: ધોળકા તાલુકાના પાંચ ગામોના ખેડૂતો અને સ્થાનિકો દૂષિત કેમિકલયુક્ત ઝેરી પાણી સામે છેલ્લા 11 દિવસથી આક્રમક આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર કે મત લઈને ખુરશી પર બેઠેલા સ્થાનિક રાજકીય પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જે વચ્ચે આંદોલનના 11મા દિવસે ગ્રામજનોની ધીરજ ખૂટી પડતાં કેમિકલયુક્ત પાણીના નિકાલની સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે તો ધોળકા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના ઘરે અને નગરપાલિકાની કચેરીમાં ટેન્કરો મારફતે ગંદુ પાણી ઠાલવવાની ચીમકી આપી છે. જોકે, ધોળકાના આંદોલન બાદ રાજ્યમાં અન્ય સ્થળોએ સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને નેતાઓ સામે દેખાવાનો નવો ટ્રેન્ડ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.
દેખાવકારોએ ચીમકી આપી
ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા અને પાલડી સહિતના પાંચ ગામના લોકો દ્વારા દૂષિત કેમિકલયુક્ત ઝેરી પાણી સામે ચલાવવામાં આવી રહેલું આંદોલન 11મા દિવસે અત્યંત ઉગ્ર બની ગયું છે. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ખુલ્લામાં ઠલવાતા નગરપાલિકાના ગંદા પાણી અને ઉદ્યોગોના કેમિકલયુક્ત ઝેરી પાણીના કાયમી નિકાલની માંગ સાથે સ્થાનિકો શેરીઓથી લઈને શાળા સુધી આક્રમક લડત ચલાવી રહ્યા છે. જે રીતે દેશમાં જેન-ઝીનું આંદોલન છે, તે જ તર્જ પર હવે લોકો અને ખેડૂતો પોતાના પ્રાણપ્રશ્રો માટે સ્થાનિક પ્રતિનિધિઓ સામે મોરચો માંડવા તરફ આગળ વધી રહ્યા છે. દેખાવકારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કેમિકલયુક્ત પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં લાવવામાં આવે તો કેમિકલયુક્ત પાણીના ટેન્કરો ભરીને ધારાસભ્યના નિવાસસ્થાને જઈને ઠાલવવામાં આવશે.
સ્થાનિકોના ગંભીર આક્ષેપો મુજબ વર્ષોથી શહેરનું દુષિત પાણી નગરપાલિકા અને ખાનગી એકમોનું કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં છોડાતા ઝેરી પાણી ભૂગર્ભ જળમાં ભળવાથી હજારો એકર જમીન બરબાદ થઈ ગઈ છે. બોરના પાણી પણ દૂષિત થતાં વિસ્તારમાં કેન્સર અને ચામડીના ભયાનક રોગોનું પ્રમાણ વધ્યું છે. દૂષિત પાણીના કારણે પાંચ ગામોમાં અત્યાર સુધીમાં 11થી વધુ લોકોના કેન્સરથી મોત થયા હોવાનો અને 50થી વધુ એક્ટિવ કેસ હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે તેમજ અસંખ્ય લોકો અને નાના બાળકો વિવિધ પ્રકારની બીમારીઓ ભોગવી રહ્યા છે. જો ગુજરાતમાં અન્ય સ્થળોએ પણ આવા ગંભીર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તો લોકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને સત્તાધારી પક્ષના નેતાઓના નિવાસસ્થાન કે ઓફિસે પહોંચીને રોષ વ્યક્ત કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થાય તેવા સ્થાનિક સ્થિતિ પરથી સંકેતો મળી રહ્યા છે.
ધોળકાની 5 કંપનીઓને તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ
ધોળકા તાલુકામાં દૂષિત પાણીના મુદ્દે તંત્ર દ્વારા કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, કોનકાર્ડ બાયોટેક, જીમાં ટેક્સ, ધરમચંદ અલ્ટ્રા કેમ અને વાસા ફાર્મા સહિતની પાંચ કંપનીઓને રૂબરૂમાં નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ સંબંધિત કંપનીઓને પહેલી સપ્ટેમ્બર 2026ના રોજ પોતાના બચાવમાં જરૂરી આધાર-પુરાવા રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો નિયત સમયે કંપનીઓ દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો આ તમામ ઔદ્યોગિક એકમો સામે કાનૂની જોગવાઈઓ હેઠળ અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




