VIDEO: અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રૉલી બેગના હેન્ડલમાં છુપાવેલા ₹4.81 કરોડના કોકેઈન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Airport DRI Cocaine Seizure: અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રૉલી બેગના હેન્ડલમાં છુપાવેલ 981 ગ્રામ કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો છે. અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ(DRI) ઝોનલ યુનિટના અધિકારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(SVPIA) પરથી યુગાન્ડાના નાગરિકની અટકાયત કરી તેની ટ્રૉલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલ અને પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સ ચકાસતા તેમાં કોકેઇન મળી આવ્યું હતું.
981 ગ્રામ કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો
DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, કતાર એરવેઝની ફ્લાઇટ નંબર QR 534 દ્વારા અમદાવાદ આવી રહેલો યુગાન્ડાનો એક નાગરિક ભારતમાં નશીલા પદાર્થો ઘૂસાડી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ પછી બાતમીના આધારે અધિકારીઓએ 24 સપ્ટેમ્બરના રોજ તેની અટકાયત કરી હતી. મુસાફર એરપોર્ટ પહોંચતા જ તેને અટકાવવામાં આવ્યો હતો. શરૂઆતની પૂછપરછ દરમિયાન તેણે કોઈ પણ પ્રકારનો ગેરકાયદે સામાન હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે, અધિકારીઓએ તેના સામાનની વિગતવાર તપાસ કરતા ટ્રૉલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલ અને પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સમાંથી સફેદ પાવડર ધરાવતા પેકેટો છુપાવેલા મળી આવ્યા હતા. છુપાવેલા ભાગોમાંથી મળી આવેલા પદાર્થનું પરીક્ષણ કરવામાં આવતા તે કોકેઇન હોવાનું સામે આવ્યું હતું.
₹4.81 કરોડનું કોકેઈન જપ્ત
DRIએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ નશીલા પદાર્થને જપ્ત કર્યો છે અને આ કથિત દાણચોરીના પ્રયાસ સંબંધિત મુસાફરની ધરપકડ કરી છે. કસ્ટમ્સ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા કોકેઇનની ગેરકાયદે બજારમાં કિંમત અંદાજે ₹4.81 કરોડ આંકવામાં આવી છે.
DRIના અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા વિકસાવવામાં આવેલી ગુપ્ત બાતમીના આધારે આ સફળતા મળી હતી, જેણે એરપોર્ટ મારફતે નશીલા પદાર્થોની શંકાસ્પદ હેરાફેરી અંગે અધિકારીઓને એલર્ટ કર્યા હતા. ત્યારબાદ મુસાફરની NDPS એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે DRIએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




