Ahmedabad

ઓછા પગારથી કંટાળેલા આંગણવાડી અને આશા વર્કર્સનું અમદાવાદમાં બે દિવસીય ઉપવાસ આંદોલન: હવે 'આરપારની લડાઈ'

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરદાર ગાર્ડન ખાતે રાજ્યભરની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ 2 દિવસીય ઉપવાસ-ધરણાં શરૂ કર્યા છે. વધતી મોંઘવારી અને કામના ભારણ સામે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તથા આશા યુનિયનના નેતૃત્વ હેઠળ બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો. હાઇકોર્ટના વેતન વધારાના આદેશનો અમલ કરવા અને સુપ્રીમ કોર્ટમાંથી અપીલ પરત ખેંચવાની તેમની મુખ્ય માંગ છે. માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓછા પગારથી કંટાળેલા આંગણવાડી અને આશા વર્કર્સનું અમદાવાદમાં બે દિવસીય ઉપવાસ આંદોલન: હવે 'આરપારની લડાઈ'

Anganwadi Workers Agitation Ahmedabad : વધતી જતી મોંઘવારી અને કામના સતત વધતા ભારણ સામે અમદાવાદના સરદાર ગાર્ડન ખાતે રાજ્યભરની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ બે દિવસીય ઉપવાસ અને ધરણાં આંદોલન શરૂ કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા ઍન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેતૃત્વ હેઠળ એકત્ર થયેલી બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આંગણવાડી વર્કરને માસિક માત્ર 10,000 રૂપિયા, હેલ્પરને 5,500 રૂપિયા અને આશા વર્કરને માંડ 4,500 રૂપિયા માનદ વેતન આપવામાં આવતું હોવાથી બહેનોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે.

હાઇકોર્ટના આદેશનો અમલ કરવા અને અપીલ પરત ખેંચવા માગ

આંદોલન કરી રહેલી મહિલાઓનો મુખ્ય આક્ષેપ છે કે ગુજરાત હાઇકોર્ટે ઑગસ્ટ 2025માં આંગણવાડી વર્કર અને હેલ્પરના વેતન વધારીને અનુક્રમે 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા કરવા ચુકાદો આપ્યો હતો. જોકે, રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશનો અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. આથી, પ્રદર્શનકારીઓએ માગ કરી છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અપીલ તાત્કાલિક પાછી ખેંચે, હાઇકોર્ટના ચુકાદાનો સત્વરે અમલ કરે અને વચગાળાની રાહત રૂપે રાજ્યનું લઘુતમ વેતન ચૂકવે. આ ઉપરાંત નિવૃત્તિ વયમર્યાદા સહિતના પડતર પ્રશ્નોનો પણ કાયમી ઉકેલ લાવવાની માગણી કરાઈ છે.

વસ્તી ગણતરી અને BLO જેવી કામગીરી છતાં કાયમી હોદ્દો નહીં

આંગણવાડી અને આશા વર્કર બહેનો સરકારની તમામ પાયાની કામગીરી નિભાવે છે. જેમાં બાળકોની સંભાળથી માંડીને ચૂંટણી સમયે BLOની કામગીરી, વસ્તી ગણતરી અને સરકારી મેળાઓની જવાબદારીઓ શામેલ છે. ICDS સેવાઓને 50 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં અને સરકારી કર્મચારીઓ સમકક્ષ કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં તેમને માત્ર માનદ વેતનદાર ગણવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા તેમને કાયમી કર્મચારીનો દર્જ આપવામાં આવતો નથી, જે મહિલાઓનું શોષણ દર્શાવે છે.

માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી

બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સરકાર માત્ર બેઠકો બોલાવીને વચનો આપે છે પરંતુ એકપણ વચનનું પાલન કરતી નથી. અગાઉ પણ વારંવાર રજૂઆતો, રેલીઓ અને ધરણાં કરવા છતાં કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો નથી. હવે બહેનો ભૂખ વેઠીને આંદોલન કરવા મજબૂર બની છે. જો હાઇકોર્ટના આદેશ મુજબ વેતન વધારો અને લઘુતમ વેતનમાં સમાવેશ કરવાની વ્યાજબી માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સંગઠન દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર અને આરપારની લડાઈ લડવામાં આવશે.