અમદાવાદની રથયાત્રામાં પરંપરા અને ભાઈચારો: મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરના મહંતને 27મી વખત ભેટ કર્યો ચાંદીનો રથ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં 149મી રથયાત્રા પહેલા સોમવારે(13 જુલાઈ) મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જગન્નાથ મંદિરે ચાંદીનો રથ આપી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. સતત 27મી વખત મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ આપવામાં આવે છે. આ દરમિયાન મહંત દિલીપદાસજીએ તમામનું ભગવા રંગનો કેસ પહેરાવીને અભિવાદન કર્યું હતું.
મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરના મહંતને 27મી વખત ભેટ કર્યો ચાંદીનો રથ
સમાજમાં ભાઈચારો અને શાંતિ પ્રસ્થાપિત કરવાના હેતુથી રૌફ બંગાળી દ્વારા એકતા રથ અર્પણ કરવાની જે પરંપરા શરૂ કરવામાં આવી હતી, તેના ભાગરૂપે આ વર્ષે પહેલીવાર આશરે 300 ગ્રામ ચાંદીના બનેલા રથ પર 5 ગ્રામ સોનાની વરખ ચઢાવીને તેને વધુ આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. ત્રણ ઘોડાઓથી સુસજ્જ આ રથ માત્ર ભગવાન પ્રત્યેની ગાઢ આસ્થાનું જ નહીં, પરંતુ સામાજિક એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ, 2000 જવાનોનું રિહર્સલ
મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે-
'ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવાની વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ નિભાવવામાં આવી છે. તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો આ લોકોત્સવને શાંતિ, ભાઈચારા, શ્રદ્ધા અને ઉલ્લાસથી ઉજવે તેવા ઉમદા હેતુથી આ રથ ભેટમાં આપવામાં આવે છે. આ પાવન અવસરે મુસ્લિમ બિરાદરોએ રથ અર્પણ કરીને પોતાની શુભેચ્છાઓ અને સમર્પણભાવ પ્રગટ કર્યો છે અને સાથે જ કોમી એકતાનો આ અનોખો પ્રેમભાવ ભવિષ્યમાં પણ સદાય માટે અકબંધ રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી છે.'









