બોટાદમાંથી કરોડોની કિંમતના હીરા ચોરનાર ગેંગના પિતા પુત્રી સહિત ત્રણ સાગરિતો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Botad News : બોટાદ આવેલા નિલમ હીરા બજારમાંથી એક ચોરી કરનાર ગેંગ દ્વારા ભીખારીના સ્વાંગમાં આવીને કરોડો રૂપિયાની કિંમતના હીરાની ચોરીની ઘટના બની હતી. જે અનુસંધાનમાં બોટાદ પોલીસ વિવિધ ટીમ બનાવીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે સંકલન રાખીને ગણતરીના કલાકોમાં આ ગેંગ સાથે સંકળાયેલા મહિલા સહિત ત્રણ સાગરિતોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જામનગર અને બોટાદમાં રહેતા આરોપીઓએ ચોક્ક્સ મોડ્સ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા હતા.પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં પિતા પુત્રીનો સમાવેશ થાય છે.
બોટાદમાં આવેલા નિલમ હીરા બજારમાં આવેલી એક દુકાનમાંથી કરોડો રૂપિયાની કિંમતના 1437 જેટલા હીરાની ચોરીની ઘટના બની હતી. આ અંગે વેપારી અશોકભાઇએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બપોરથી બોટાદના એસપીએ વિવિધ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ તેમજ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ટીમને કામગીરી સોંપી હતી. જેમાં સીસીટીવીના આધારે તપાસ કરતા ચોરી કરનાર શંકાસ્પદ મહિલા અને તેની સાથે રહેલા બે વ્યક્તિઓ રેલવે સ્ટેશન તરફ ગયા બાદ અમદાવાદ જતી ટ્રેનમાં બેઠા હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે ટ્રેનને ટ્રેક કરીને તાત્કાલિક અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમપ્રકાશ જાટને જાણ કરતા બાવળા તેમજ લોકલ ક્રાઇમબ્રાંચની ટીમને સક્રિય કરીને ટ્રેન બાવળા પહોંચી ત્યારે મહિલા સહિત ત્રણ આરોપીઓને ફોટો અને વિડીયોના આધારે ઓળખી લેવાયા હતા.
પોલીસને તેમની પાસે રહેલા સામાનથી ચોરી કરાયેલા કરોડો રૂપિયાની કિંમતના હીરા મળી આવ્યા હતા. પુછપરછ કરતા તેમના નામ બચુભાઇ સાડમીયા (રહે.કુમનાથપુરા, કાલાવાડ, જામનગર) અને તેમની પુત્રી સપના તેમજ વિનાભાઇ જીલીયા (રહે. ખોડીયારનગર, બોટાદ) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.




