પૈસાની લેતી દેતીમાં આવુ પણ થાય! અમદાવાદમાં ઘર સામે પડેલું સ્કૂટર સળગાવી નાખ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પૈસાની લેતીદેતીની જૂની અદાવત રાખી એક યુવકે તેના જ મિત્રના ઘર આગળ પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ વાહનમાં લાગેલી આગ જોઈને પરિવાર અને આસપાસના રહીશોએ તાત્કાલિક પાણી છાંટી આગ કાબૂમાં લીધી હતી. આ મામલે યુવકના કાકાએ વાહન સળગાવીને ભાગી રહેલા આરોપી સામે બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ, સોમનાથ મંદિર પાસે રહેતા અને પ્લાસ્ટિક કંપનીઓમાં માર્કેટિંગનું કામ કરતા 44 વર્ષીય પ્રવીણ રાઇકુવડે નોંધાવેલી ફરિયાદ મુજબ, મકાનના નીચેના માળે તેના મોટાભાઈ હિતેન્દ્રના પત્ની, પુત્ર જય અને પુત્રી વંશિકા રહે છે. પ્રવીણે તેના ભત્રીજા જયને મોપેડ ખરીદી આપ્યું હતું, જેનો ઉપયોગ જય કરતો હતો. 21 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યે જય પોતાનું મોપેડ ઘર આગળ પાર્ક કરીને તેના મિત્રને મળવા ચંદીગઢ જવા નીકળ્યો હતો.
આ દરમિયાન રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પ્રવીણ પાણી પીવા માટે ઊભા થઈ બહાર આવ્યા, ત્યારે ઘર આગળ પાર્ક કરેલા એક્સેસમાં આગ લાગેલી જોવા મળી હતી. તે વખતે જયનો મિત્ર 25 વર્ષીય પુષ્પરાજસિંહ વાઘેલા ત્યાંથી ભાગતો નજરે પડ્યો હતો. પ્રવીણે અને આસપાસના લોકોએ ભેગા થઈ પાણી છાંટી આગ બુઝાવી હતી.
બાદમાં જયને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, 'અગાઉ પૈસાની લેતીદેતી બાબતે પુષ્પરાજસિંહ સાથે બોલાચાલી થઈ હોવાથી તેની અદાવત રાખીને તેણે વાહન સળગાવ્યું છે.' આ સમગ્ર મામલે તેમણે બાપુનગર પોલીસે સ્ટેશનમાં પુષ્પરાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




