Ahmedabad

અમદાવાદમાં બનેલો થર્મલ ઈન્ફ્રારેડ કેમેરા 'તપસ-1' સ્પેસમાં લોન્ચ કરાશે, અમેરિકાનું 'ફાલ્કન-9' રોકેટ પ્રસ્થાપિત કરશે

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સ્પેસ ટેકમાં ઇતિહાસ રચવા સજ્જ છે! અમદાવાદની સ્ટાર્ટઅપ કંપનીએ બનાવેલો 3 કિલો વજનનો ‘તપસ-1’ થર્મલ કેમેરા 1 ઓક્ટોબરે અમેરિકાથી ફાલ્કન 9 રોકેટ દ્વારા અવકાશમાં લોન્ચ થશે. આ કેમેરો 500 કિમી ઊંચાઈએથી પૃથ્વીનું થર્મલ મોનિટરિંગ કરી કૃષિ અને તાપમાન ક્ષેત્રે 3 વર્ષ સુધી સચોટ ડેટા આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં બનેલો થર્મલ ઈન્ફ્રારેડ કેમેરા 'તપસ-1' સ્પેસમાં લોન્ચ કરાશે, અમેરિકાનું 'ફાલ્કન-9' રોકેટ પ્રસ્થાપિત કરશે

Ahmedabad Thermal Infrared Camera, Tapas-1 : સ્પેસ ટેક ક્ષેત્રે ગુજરાત એક નવો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદની એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલો થર્મલ ઈન્ફ્રારેડ અર્થ ઓબ્ઝર્વેશન પેલોડ એટલે કે થર્મલ ઈન્ફ્રારેડ કેમેરા ‘તપસ-1’ પહેલી ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસમાં લોન્ચ કરવામાં આવશે. આ કેમેરાને અમેરિકાના ‘ફાલ્કન 9’ રોકેટ દ્વારા અવકાશમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી કૃષિ અને તાપમાન ક્ષેત્રે સચોટ ડેટા મેળવવામાં મદદ મળશે.

500 કિમી ઊંચાઈએથી પૃથ્વીનું થર્મલ મોનિટરિંગ

અમદાવાદના સ્ટાર્ટઅપ દ્વારા સ્વદેશી ટેક્નોલોજી સાથે માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવેલો આ થર્મલ ઈન્ફ્રારેડ કેમેરા પૃથ્વીની સપાટીથી આશરે 500 કિલોમીટરની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ કેમેરા સામાન્ય સેટેલાઇટ કેમેરાની નજરે ન ચડે તેવી ગરમી અને તાપમાનમાં થતી વધઘટની અતિ સૂક્ષ્મ અને હાઈ રિઝોલ્યુશન તસવીરો ઝડપી પાડવામાં સક્ષમ છે. ‘તપસ-1’ આશરે 3 વર્ષ સુધી કાર્યરત રહીને કૃષિ અને તાપમાન ક્ષેત્રને લગતી મહત્વની માહિતી કૅપ્ચર કરશે. ખાસ કરીને ખેતીના ક્ષેત્રમાં જમીન અને પાક સંબંધિત થર્મલ માહિતી મેળવવા માટે આ ટેક્નોલોજી ઉપયોગી સાબિત થઈ શકે છે.

માત્ર 3 કિલો વજન, પૃથ્વીના થર્મોમીટર તરીકે કરશે કામ

આ કેમેરાનું વજન માત્ર 3 કિલો છે. આમ છતાં તેની ક્ષમતા અત્યંત સૂક્ષ્મ થર્મલ માહિતી મેળવવાની છે. ‘તપસ-1’ને પૃથ્વીના થર્મોમીટર તરીકે પણ કામ કરી શકે તેવી ટેક્નોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ અદ્યતન ટેક્નોલોજી દ્વારા પૃથ્વી પરથી નીકળતાં થર્મલ ઈન્ફ્રારેડ રેડિયેશનને કૅપ્ચર કરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકાશે. જેના આધારે પૃથ્વીની સપાટી પર ગરમી અને તાપમાનમાં થતા ફેરફારો અંગે વધુ સચોટ માહિતી મેળવી શકાશે. ગુજરાત માટે આ લોન્ચિંગ સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સ્થાનિક સ્ટાર્ટઅપની ક્ષમતા દર્શાવતું મહત્વનું પગલું બની શકે છે.