અમદાવાદમાં બપોર બાદ મિનિ વાવાઝોડું: વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Heavy Rainfall: અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ વચ્ચે આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવારથી જ તડકા-છાંયડા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ
શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે એસજી હાઈવે, સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર અને પ્રહલાદનગર તેમજ પૂર્વ વિસ્તારના મણિનગર, નિકોલ, ઓઢવ સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ નોંધાયો છે. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા.
હાઈવે પર વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો મુશ્કેલીમાં

વરસાદનું જોર એટલું વધારે હતું કે એસજી હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બપોરના સમયે જ અંધારપટ જેવો માહોલ સર્જાતાં વાહનચાલકોને અકસ્માતથી બચવા માટે પોતાના વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી.
ઉકળાટથી રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી
સવારથી જ અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક પડેલા આ વરસાદથી નાગરિકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર શહેરમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.




