Ahmedabad

અમદાવાદ શહેરની પાણીની ટાંકીઓ હવે દર 6 મહિને સાફ થશે, ગુજરાત સમાચારના અહેવાલની અસર

By GS Team
9 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં અસારવા ટાંકીમાંથી હાડકાં મળ્યા બાદ ગુજરાત સમાચાર ડિજિટલે પાણીની ટાંકીઓની સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. અહેવાલ મુજબ, 241માંથી માત્ર 95 ટાંકી જ 6 મહિનામાં સાફ થઈ હતી. આથી, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે તમામ 243 ટાંકીઓની વર્ષમાં બે વખત નિયમિત સફાઈ અને સતત મોનિટરિંગની સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ શહેરની પાણીની ટાંકીઓ હવે દર 6 મહિને સાફ થશે, ગુજરાત સમાચારના અહેવાલની અસર

Ahmedabad Water Tanks Cleaning: અમદાવાદમાં અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીમાંથી હાડકાં મળી આવ્યા બાદ ગુજરાત સમાચાર ડિજિટલે શહેરની પાણીની ટાંકીઓની નિયમિત સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. છઠ્ઠી ઓક્ટોબરે પબ્લિશ કરેલા અહેવાલમાં નિયમ મુજબ દર છ મહિને ટાંકીની સફાઈ કરવાની હોવા છતાં શહેરની 241માંથી માત્ર 95 ટાંકીની જ છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાણીની ટાંકીઓની સફાઈનો મુદ્દો ઉઠ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે શહેરની તમામ પાણીની ટાંકીઓની વર્ષમાં બે વખત એટલે કે દર છ મહિને નિયમિત સફાઈ થાય તેની સૂચના આપી છે અને કામગીરીનું સતત મોનિટરિંગ કરવા પણ જણાવ્યું છે.

કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરની પાણીની ટાંકીઓની સફાઈ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં કુલ 243 પાણીની ટાંકીઓ આવેલી છે અને તમામ ટાંકીઓની વર્ષમાં બે વખત નિયમિત સફાઈ કરવામાં આવે છે. દરેક ટાંકી માટે અલગ-અલગ સમયગાળા મુજબ સફાઈનું શિડ્યૂલ નક્કી કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું.'

ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, 'હાલના શિડ્યૂલ મુજબ 96 પાણીની ટાંકીઓની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. તમામ ટાંકીઓની વર્ષમાં બે વખત નિયમિત સફાઈ થાય તે અંગે ફરી સૂચના આપવામાં આવી છે અને આ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.'

અગાઉ 241માંથી માત્ર 95 ટાંકી 6 મહિનામાં સાફ થઈ હતી

અગાઉ ગુજરાત સમાચાર ડિજિટલના અહેવાલમાં સામે આવ્યું હતું કે નિયમ મુજબ પાણીની ટાંકીની દર છ મહિને સફાઈ કરવાની હોવા છતાં શહેરની કુલ 241 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીઓમાંથી માત્ર 95 ટાંકીની જ છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ હતી. જ્યારે 125 ટાંકીની સફાઈ 6થી 12 મહિનાના ગાળામાં થઈ હતી અને 21 ટાંકી એવી હતી જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. આમ 241માંથી 146 ટાંકી એવી હતી જેની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ નહોતી. તેમાં એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની 21 ટાંકીનો પણ સમાવેશ થતો હતો.

પૂર્વ ઝોનની 42માંથી એક પણ ટાંકી 6 મહિનામાં સાફ નહોતી થઈ

પૂર્વ ઝોનમાં આવેલી 42 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીઓમાંથી એક પણ ટાંકીની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ નહોતી. 41 ટાંકીની સફાઈ 6થી 12 મહિનાના સમયગાળામાં થઈ હતી, જ્યારે એક ટાંકી એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 36માંથી માત્ર 9 અને પશ્ચિમ ઝોનમાં 40માંથી માત્ર 7 ટાંકીની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ હતી. બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 28માંથી 26 ટાંકીની છ મહિનામાં સફાઈ થઈ હતી, જે અન્ય ઝોનની સરખામણીએ સૌથી વધુ હતી.

21 ટાંકી એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની હતી

શહેરની 21 ટાંકીઓ એવી હતી જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. તેમાં ઉત્તર પશ્ચિમ ઝોનની 7, પશ્ચિમની 6, ઉત્તર-6, પૂર્વની 1 અને દક્ષિણ ઝોનની 1 ટાંકીનો સમાવેશ થતો હતો. આ મામલો ખાસ કરીને અસારવા WDSની ટાંકીમાંથી હાડકાં મળી આવ્યા બાદ વધુ ગંભીર બન્યો હતો. અસારવા WDSની ટાંકીની છેલ્લી સફાઈ જાન્યુઆરી 2025માં થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ શહેરની પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા.