બેંક અને પોલીસને ચુનો ચોપડી 7 વર્ષથી ફરાર ઠગને આખરે અમદાવાદ પોલીસે ઝડપી લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vasna Police Operation Hawk Eye : અમદાવાદ શહેરની વાસણા પોલીસે ‘ઓપરેશન હોક આઈ’ હેઠળ મોટી સફળતા મેળવતા છેલ્લા 7 વર્ષથી નાસતા-ફરતા અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં 7 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી નિલેશ ધીરુભાઈ પટેલને મધ્યપ્રદેશના બૈતુલથી ઝડપી પાડ્યો છે. આ કુખ્યાત શખ્સે બેંક અધિકારીઓની મિલીભગતથી અસલ માલિકોની જાણ બહાર પ્રોપર્ટી પર બોગસ લોન મેળવી હતી અને 20 જેટલી શેલ કંપનીઓ ઊભી કરીને રોકાણકારો સાથે આશરે રૂપિયા 14.5 કરોડની મસમોટી ઠગાઈ આચરી હતી. આ ગુનાહિત નેટવર્કમાં પોલીસે તેના સાથીદાર દીપક આહુજા ઉર્ફે દીપુ ટાંકની પણ ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી કાર, લેપટોપ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને રૂપિયા 20 લાખની બેલેન્સ ધરાવતાં 65 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે.
'તોશન ગ્રુપ' બનાવી શેલ કંપનીઓ દ્વારા આચર્યું ક્રિપ્ટો કૌભાંડ
ઝોન-7 ડીસીપીના માર્ગદર્શન હેઠળ 10 મહિનાના લાંબા ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સ બાદ 18 ઓગસ્ટે એમપી પોલીસની મદદથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. અમદાવાદથી ફરાર થયા બાદ તે મુંબઈમાં સ્થાયી થયો હતો અને ‘તોશન ગ્રુપ’ હેઠળ 19 થી 20 જેટલી શેલ કંપનીઓ બનાવી હતી. જેમાં હોંગકોંગ ખાતે નોંધાયેલી ‘તોશન ઇન્ટરનેશનલ’ પણ સામેલ છે. સેમિકન્ડક્ટરના વર્તમાન ટ્રેન્ડનો ફાયદો ઉઠાવી તેણે ‘તોશન લિબરલ સાયન્ટિફિક’ નામે પેઢી બનાવી ‘સેમી કોઈન્સ’ નામના ક્રિપ્ટો કોઈન્સ દ્વારા મોટું રોકાણ મેળવવાની યોજના બનાવી હતી. તેણે લોકોને પ્લાન્ટ બતાવવા ઉત્તર પ્રદેશમાં જમીન પણ શોધી હતી અને માત્ર રોકાણકારો પાસેથી રૂપિયા 5 કરોડ પડાવી લીધા હતા. વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેણે ‘પ્રિયંકા ફેશન્સ’ પેઢી ઊભી કરી અસલ માલિકની જાણ વગર રૂપિયા 90 લાખની લોન મેળવી હતી. તેની સામે ક્રાઈમ બ્રાન્ચમાં 3, ચિલોડા, નારોલ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે.
બેંક મેનેજરો સાથે સાંઠગાંઠ કરી બોગસ લોન કૌભાંડ
આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. તેઓ બેંક અધિકારીઓ અને વેલ્યુએટર્સ સાથે મિલીભગત કરીને એવી મિલકતો શોધતા જેના મૂળ માલિક અજાણ હોય અથવા મિલકત જ બોગસ હોય. ત્યારબાદ નકલી દસ્તાવેજોના આધારે બેંકમાંથી મોટી રકમની લોન પાસ કરાવી લેતા હતા. બેંકને શંકા ન જાય તે માટે શરૂઆતમાં બેથી ત્રણ હપ્તા નિયમિત ભર્યા બાદ હપ્તા ભરવાનું સાવ બંધ કરીને ફરાર થઈ જતા હતા. આ સિન્ડિકેટમાં સંડોવાયેલા અન્ય મેનેજરો અને વેલ્યુએટર્સ સામે પણ કાયદેસરની તપાસ ચાલુ છે.




