અમદાવાદ: આજે 75 હજાર ઉમેદવારો TAT-S મેઇન્સની પરીક્ષા આપશે, સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat TAT-S Exam: રાજ્યમાં રવિવારે (20મી સપ્ટેમ્બર) TAT-S મેઇન્સની પરીક્ષા યોજાઈ રહી છે. 75 હજાર જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં બે સેશનમાં પરીક્ષા લેવાશે. અમદાવાદમાં 84 સેન્ટર પર 15 હજાર કરતા વધુ અને પશ્ચિમમાં 87 કેન્દ્ર પર 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. મહત્વનું છે કે, ઉમેદવારો સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, 'સમય જતા આ પરીક્ષામાં કોમ્પિટિશન વધી રહી છે. સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે પણ સમયસર ભરતી કરતી નથી.'
ચુસ્ત સુરક્ષા અને CCTV ની દેખરેખ હેઠળ પરીક્ષા
TAT-S મેઇન્સ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારી કરવામાં આવી હતી. આ પરીક્ષાના કેન્દ્ર, સંચાલક, સુપરવાઈઝર અને ઓબ્ઝર્વરને તાલીમ આપીને નિમણૂક કરાયા હતા. આ સાથે જ તમામ સેન્ટર પર સરકારી પ્રતિનિધિની પણ નિમણૂક કરવામાં આવી છે. એટલું જ નહીં તમામ સેન્ટર પર CCTV કેમેરાની દેખરેખમાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે.
સ્પર્ધા વધી, સરકારે સમયસર ભરતી કરવી જોઈએ: ઉમેદવારો
પરીક્ષા અંગે વાવ થરાદથી અમદાવાદ આવેલા ઉમેદવાર ભૈરવ વાઘેલાએ કહ્યું કે, 'અગાઉ એચએસની લેવાયેલી પરીક્ષામાં મે કેમેસ્ટ્રી વિષય સાથે તૈયારી કરી હતી, પરંતુ આ વખતે છેલ્લા 6 મહિનાથી હું ગણિત અને વિજ્ઞાન વિષય સાથે ખૂબ સારી તૈયારી કરી રહ્યો છું. હું છેલ્લા 1 વર્ષથી ટાટની પરીક્ષાની તૈયારી કરું છું અને સમય જતાં સ્પર્ધામાં વધારો થઈ રહ્યો છે.'
કલોલથી પરીક્ષા આપવા આવેલા આસ્થા પટેલે જણાવ્યું કે, 'મારું બીએડ હમણાં જ પૂરું થયું છે અને આ મારી પહેલી સરકારી પરીક્ષા છે. મારો વિષય ગણિત અને વિજ્ઞાન છે, તેથી મે પાર્ટ 1 અને ગણીત પર વિશેષ ધ્યાન આપીને સારી તૈયારી કરી છે. મારા વિષયમાં આશરે 30,000થી 31,000 જેટલા ઉમેદવારો હોવાથી કોમ્પિટિશન ટફ થઈ ગઈ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી માત્ર પરીક્ષા યોજવાને બદલે ઉમેદવારોની અપેક્ષા મુજબ સમયસર યોગ્ય ભરતી પણ કરવામાં આવે તેવી હું અપેક્ષા રાખું છું.'
વાવ થરાદથી અહીં પરીક્ષા આપવા આવેલા બાબુએ જણાવ્યું કે, 'ગઈ પરીક્ષામાં ઓછો સમય મળવાને કારણે કન્ટેન્ટની પૂરી તૈયારી થઈ શકી નહોતી અને હું 1-2 મારા માટે રહી ગયો હતો. પરંતુ આ વખતે હું પૂરી તૈયારી અને પદ્ધતિસરના આયોજન સાથે પરીક્ષા આપી રહ્યો છું. પરીક્ષાઓ યોજાય તે પછી સરકાર દ્વારા પૂરતી ભરતી પણ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓની આશાને વેગ મળી રહે તેવી હું આશા રાખું છું.'




