Ahmedabad

અમદાવાદ: નિકોલની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે કોઈ કારણ વગર વિદ્યાર્થીને લાફો માર્યો, કાનનો પડદો ફાટી જતાં ફરિયાદ દાખલ

By GS Team
29 Jun 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના નિકોલની ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષક લક્ષ્મણભાઈએ કારણ વગર લાફો મારતા ડાબા કાનનો પડદો ફાટી ગયો. પીટીના પિરિયડ દરમિયાન મેદાનમાં થયેલી આ ઘટનાથી નૈતિકના કાનમાં બહેરાશ આવી. પીડિતના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ઓપરેશનની પણ નોબત આવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નિકોલની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે કોઈ કારણ વગર વિદ્યાર્થીને લાફો માર્યો, કાનનો પડદો ફાટી જતાં ફરિયાદ દાખલ

Nikol Chanakya School Teacher Slaps Student: શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પર થતા અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા નૈતિક(નામ બદલ્યું છે) નામના વિદ્યાર્થીને એક શિક્ષકે કોઈ પણ કારણ વગર જોરદાર લાફો મારી દેતા, વિદ્યાર્થીના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે. આ ગંભીર મામલે બાળકના પિતાએ ન્યાય માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?
નિકોલમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો નૈતિક(નામ બદલ્યું છે) નામનો વિદ્યાર્થી જ્યારે પી.ટી. (PT)ના પિરિયડ દરમિયાન મેદાનમાં અન્ય મિત્રો સાથે બેઠો હતો, ત્યારે એક શિક્ષકે તેને કોઈ પણ કારણ વગર જોરદાર લાફો મારી દીધો હતો. આ ઉગ્ર પ્રહારના કારણે વિદ્યાર્થીના ડાબા કાનમાં બહેરાશ આવી ગઈ હતી. તબીબી તપાસ દરમિયાન તબીબોએ કાનનો પડદો ફાટી ગયો હોવાની તેમજ લોહી અને સોજો આવી ગયા હોવાની પુષ્ટિ કરી છે, જેના કારણે ભવિષ્યમાં ઓપરેશન કરાવવાની પણ નોબત આવી શકે છે. આ ગંભીર મામલે બાળકના પિતા રમેશભાઈએ ન્યાય મેળવવા અને અન્ય કોઈ બાળક સાથે આવું ન થાય તે માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફોન આવતા જ માતા-પિતા શાળાએ પહોંચ્યા
પીડિત વિદ્યાર્થી નૈતિકના પિતાએ સમગ્ર આપવીતી જણાવતા કહ્યું કે-

શનિવારે સવારે શાળામાંથી ફોન આવ્યો હતો કે તમારા દીકરાને લાફો વાગવાથી તે રડી રહ્યો છે, માટે તેને ઘરે લઈ જાવ. જ્યારે પીડિતના માતા-પિતા શાળાએ પહોંચ્યાં ત્યારે નૈતિકની હાલત અત્યંત ખરાબ હતી અને તેને ડાબા કાને સંભળાવાનું બંધ થઈ ગયું હતું. આ અંગે જ્યારે આચાર્યને પૂછવામાં આવ્યું ત્યારે ખુલાસો થયો કે મેદાનમાં જ્યારે 10-12 વિદ્યાર્થીઓ સામાન્ય વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ઇંગ્લિશ મીડિયમના શિક્ષક લક્ષ્મણભાઈએ ત્યાં આવીને નૈતિકને ઊભો કરી જોરદાર લાફો ઝીંકી દીધો હતો.

કાનનો પડદો ફાટતાં ઓપરેશનની શક્યતા
નૈતિક પોતે ગુજરાતી મીડિયમમાં ભણે છે અને આ શિક્ષક સાથે તેને કોઈ લેવાદેવા પણ નથી. ઘટના બાદ નૈતિકને તાત્કાલિક ઈ.એન.ટી. (ENT) સર્જન પાસે લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે જણાવ્યું કે કાનનો પડદો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને તેમાં કાણું પડી ગયું છે. અઠવાડિયા કે 10 દિવસના ઓબ્ઝર્વેશન બાદ જો રિકવરી નહીં આવશે, તો કાનનું ઓપરેશન કરાવવું પડે તેવી શક્યતા છે.

વાલી અને ટ્રસ્ટીઓ વચ્ચેની બેઠક
આ ઘટના બાદ આજે સોમવારે સવારે જ્યારે વાલી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ, ત્યારે ટ્રસ્ટી મંડળ અને લાફો મારનાર શિક્ષક લક્ષ્મણભાઈ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, પીડિત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે સ્કૂલ વહીવટીતંત્ર ભલે તેમની સાથે હોવાનો દાવો કરતું હોય, પણ કોઈ પણ બાળકના ભવિષ્ય સાથે આ પ્રકારે ચેડાં ચલાવી શકાય નહીં.

પિતાની લેખિત જવાબદારી તેમજ ન્યાયની માંગ
પીડિતના પિતાએ કડક શબ્દોમાં પોતાની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું છે કે, તેઓ ઓન-રેકોર્ડ લેખિતમાં ઈચ્છે છે કે ભવિષ્યમાં નૈતિકના કાનને લગતી કોઈ પણ તકલીફ ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા વહીવટીતંત્ર અને સંબંધિત શિક્ષકની રહેશે. આ સાથે જ તેમણે જવાબદાર શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ શાળામાં કોઈ પણ નિર્દોષ બાળક સાથે આવું અમાનવીય વર્તન ફરી ક્યારેય ન થાય.

આરોપી શિક્ષક વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી
કૃષ્ણનગર પોલીસે જણાવ્યું કે શિક્ષક દ્વારા બાળકને લાફો મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી શિક્ષક વિરૂદ્ધ જરૂરી અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. નિયમો અને ધારાધોરણો મુજબ આ ગુનાની આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે.