Ahmedabad

અમદાવાદ: તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં ગ્રાહકો કરી શકશે સ્થળ પર જ ચકાસણી, દુકાનોમાં ટેસ્ટિંગ કીટ ફરજિયાત મૂકવાની સૂચના

By GS Team
27 Aug 20264 mins read
TukuTouch Logo
અમદાવાદમાં તહેવારો ટાણે મીઠાઈ-ફરસાણમાં ભેળસેળ રોકવા AMCએ કડક પગલાં લીધા છે. હવે શહેરની દુકાનોમાં ગ્રાહકો માટે ઓન-ધ-સ્પોટ રેપિડ ટેસ્ટિંગ કીટ ફરજિયાત મુકાશે. આ કીટથી ચાંદીના વરખ, માવા, પનીર, કેસર અને ઘીની શુદ્ધતા ચકાસી શકાશે. ગ્રાહકો 155303 પર ફરિયાદ પણ કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં ગ્રાહકો કરી શકશે સ્થળ પર જ ચકાસણી, દુકાનોમાં ટેસ્ટિંગ કીટ ફરજિયાત મૂકવાની સૂચના

Ahmedabad Sweets Farsan Rapid Testing Kit Mandatory: અમદાવાદમાં તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ સામે તંત્રએ નવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. હવે શહેરની મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ગ્રાહકોને દેખાય તેવી જગ્યાએ ઓન-ધ-સ્પોટ રેપિડ ટેસ્ટિંગ કીટ રાખવાની રહેશે. જેથી મીઠાઈ કે ફરસાણ ખરીદતા પહેલાં ગ્રાહકો તેની પ્રાથમિક ચકાસણી કરી શકે. આ કીટમાં ચાંદીના વરખ, માવા-ખોયા-મીઠાઈ-પનીરમાં સ્ટાર્ચ, નોન-પરમિટેડ કલર, કેસર અસલી છે કે નકલી તેમજ શુદ્ધ ઘીમાં વેજિટેબલ ફેટની ભેળસેળની ચકાસણી કરી શકાશે.

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં ગ્રાહકો કરી શકશે સ્થળ પર જ ચકાસણી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ મીઠાઈ-ફરસાણ મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક દુકાનમાં ગ્રાહકો સરળતાથી જોઈ અને ઉપયોગ કરી શકે તેવી રીતે ટેસ્ટિંગ કીટ મૂકવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મીઠાઈમાં ભેળસેળ જોવા મળે તો નાગરિકો કોર્પોરેશનના 155303 નંબર પર ફરિયાદ કરી શકશે અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

કીટમાં કઈ વસ્તુની ચકાસણી કરી શકાશે?

મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં રાખવામાં આવનાર ટેસ્ટિંગ કીટ દ્વારા મુખ્યત્ત્વે આ પ્રાથમિક ચકાસણી કરી શકાશે,

  • ચાંદીના વરખની ચકાસણી
  • ખોયા, માવા, મીઠાઈ અને પનીરમાં સ્ટાર્ચની તપાસ
  • નોન-ફૂડ ગ્રેડ અથવા નોન-પરમિટેડ કલરની તપાસ
  • કેસર અસલી છે કે નકલી તેની ચકાસણી
  • શુદ્ધ ઘીમાં વેજિટેબલ ફેટની ભેળસેળ છે કે નહીં તેની તપાસ


ટેસ્ટિંગ માટે જરૂરી કેમિકલ્સ અને સામગ્રી સરળતાથી ઉપલબ્ધ તથા પરવડે તેવા હોવાથી આ વ્યવસ્થા વહેલી તકે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ગ્રાહક મીઠાઈ અથવા નમકીન ખરીદતી વખતે ઇચ્છે તો ઉપલબ્ધ કીટ મારફતે પ્રાથમિક ચકાસણી કરી શકશે. આ ઉપરાંત અમદાવાદ મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશનને પણ ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે.

અગાઉ TPC મશીનની સૂચના છતાં અમલના અભાવે સવાલ

ફરસાણની દુકાનોમાં રસોઈના તેલનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેની તપાસ માટે અગાઉ TPC મશીન મૂકવાની સૂચના આપવામાં આવી હતી. જો કે, હાલમાં અનેક દુકાનોમાં આ મશીનો જોવા મળતા નથી. જેના કારણે હવે ટેસ્ટિંગ કીટ મૂકવાની નવી સૂચનાનો વાસ્તવિક અમલ કેટલો થાય છે તેના પર પણ સવાલ ઊભા થયા છે.

હોટલ-રેસ્ટોરન્ટ માટે 18 મુદ્દાનું પાલન ફરજિયાત

તહેવારો દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાય તે માટે અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનને પત્ર લખીને 18 મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે. આ સાથે કિચનમાં CCTV લગાવવા અને ગ્રાહકોને કિચનનું લાઇવ ફૂટેજ દેખાય તેવી વ્યવસ્થા અંગે પણ સૂચના આપવામાં આવી છે. CCTV ક્યારે ઇન્સ્ટોલ થશે અને લાઇવ ડિસ્પ્લે કઈ તારીખ સુધીમાં શરૂ થશે તેની સ્પષ્ટ સમયમર્યાદા AMCને લેખિતમાં આપવા એસોસિએશનને જણાવાયું છે.

રેસ્ટોરન્ટ માટે આ 18 બાબતોનું પાલન કરવું પડશે

  1. કિચન, ફૂડ પ્રિપેરેશન એરિયા, સ્ટોરેજ એરિયા, ફ્લોર, દિવાલ, સિલિંગ, ડ્રેનેજ સહિતની નિયમિત સફાઈ કરાવવી.
  2. પીવા માટેના પાણી, કૂકિંગ, વોશિંગ તથા ફૂડ તૈયાર કરવા માટે પોર્ટેબલ વોટરનો ઉપયોગ કરવો તથા લાગુ પડતી જોગવાઈઓ મુજબ તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવી.
  3. ફૂડ હેન્ડલર્સ દ્વારા સાફ કપડા/યુનિફોર્મ, એપ્રોન, હેડ કવર વગેરેનો ઉપયોગ કરવો. બીમાર અથવા ચેપી રોગના લક્ષણો ધરાવતા વ્યક્તિને ફૂડ હેન્ડલિંગની કામગીરીથી દૂર રાખવો.
  4. રો ફૂડ, કૂક્ડ ફૂડ, વેજિટેરિયન/નોન-વેજિટેરિયન ફૂડ તથા રેડી-ટુ-ઈટ ફૂડનું યોગ્ય રીતે અલગ સ્ટોરેજ કરી ક્રોસ કન્ટામિનેશન અટકાવવું.
  5. પેરિશેબલ ફૂડ, ડેરી પ્રોડક્ટ, પનીર, મીટ, પોલ્ટ્રી, ફ્રોઝન/ચિલ્ડ પ્રોડક્ટ વગેરેને જરૂરી ટેમ્પરેચર કન્ડિશનમાં સ્ટોર કરવાં.
  6. રેસ્ટોરન્ટ/કિચન પ્રિમાઇસિસ કોકરોચ, ફ્લાયસ, રોડન્ટ તથા અન્ય પેસ્ટથી મુક્ત રાખવા માટે અસરકારક અને નિયમિત પેસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ જાળવવી તથા જરૂરી રેકોર્ડ્સ રાખવા.
  7. ફૂડ વેસ્ટ તથા અન્ય કચરાના યોગ્ય કલેક્શન અને ડિસ્પોઝલ માટે કવર્ડ ડસ્ટબિન તથા યોગ્ય ડ્રેનેજ/વેસ્ટ ડિસ્પોઝલ સિસ્ટમ જાળવવી. કચરાના કારણે ફૂડ કન્ટામિનેશન અથવા પેસ્ટ બ્રિડિંગ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
  8. ફ્રાયિંગ ઓઇલનો અયોગ્ય રીતે વારંવાર ઉપયોગ કરવો નહીં. TPC 25 ટકાથી વધુ થયેલ કૂકિંગ ઓઇલનો ફૂડ પ્રિપેરેશન માટે ઉપયોગ ન કરવો. વપરાયેલ કૂકિંગ ઓઇલનું FSSAIની લાગુ પડતી રિક્વાયરમેન્ટ મુજબ યોગ્ય ડિસ્પોઝલ/હેન્ડ-ઓવર કરવું તથા જરૂરી રેકોર્ડ જાળવવા.
  9. માત્ર FSSAI દ્વારા મંજૂર ફૂડ કલર, પ્રિઝર્વેટિવ્સ અને ફૂડ એડિટિવ્સનો પ્રિસ્ક્રાઇબ્ડ લિમિટ્સ મુજબ જ ઉપયોગ કરવો.
  10. રો મટિરિયલ, મિલ્ક પ્રોડક્ટ, પનીર, ચીઝ, ખોયા, ઘી, એડિબલ ઓઇલ, સ્પાઇસિસ વગેરેની ગુણવત્તા તથા સોર્સ અંગે યોગ્ય ડિલિજન્સ રાખવી.
  11. શક્ય હોય ત્યાં સુધી ફૂડ/રો મટિરિયલ રજિસ્ટર્ડ FBO પાસેથી મેળવવા તથા બિલ, સપ્લાયર્સ ડિટેલ અને અન્ય જરૂરી ખરીદીના રેકોર્ડ જાળવવા.
  12. ફૂડ આર્ટિકલ્સને સપાટીથી યોગ્ય રીતે ઉપર, સ્વચ્છ તથા સુરક્ષિત જગ્યાએ રાખવા.
  13. એક્સપાયર્ડ, સ્પોઇલ્ડ અથવા અખાદ્ય પદાર્થનો ઉપયોગ, વેચવા માટે સ્ટોરેજ અથવા સર્વ ન કરવું અને સ્ટોક રોટેશન માટે યોગ્ય સિસ્ટમ અપનાવવી.
  14. FSSAI લાઇસન્સ/રજિસ્ટ્રેશન પ્રિમાઇસિસમાં સ્પષ્ટ રીતે દેખાય તે રીતે ડિસ્પ્લે કરવું તથા લાગુ પડતું ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડ(FSDB) પણ યોગ્ય જગ્યાએ પ્રદર્શિત કરવું.
  15. ફૂડ હેન્ડલર્સ તથા અન્ય સ્ટાફને ફૂડ હાઇજિન, સેફ ફૂડ હેન્ડલિંગ, સેનિટેશન તથા પર્સનલ હાઇજિન અંગે જરૂરી ટ્રેનિંગ આપવી.
  16. કિચન, યુટેન્સિલ્સ, ઇક્વિપમેન્ટ, ચોપિંગ બોર્ડ્સ, રેફ્રિજરેટર, સ્ટોરેજ રેક વગેરે માટે નિયમિત ક્લિનિંગ અને સેનિટેશન શેડ્યૂલ જાળવવું.
  17. તૈયાર તથા રેડી-ટુ-ઈટ ફૂડને ડસ્ટ, ફ્લાય, ઇન્સેક્ટ, હેન્ડલિંગ તથા અન્ય કન્ટામિનેશનથી સુરક્ષિત રાખવું અને ફૂડને યોગ્ય રીતે કવર્ડ રાખવું.
  18. લાગુ પડતી જોગવાઈઓ મુજબ ક્લિનિંગ, પેસ્ટ કન્ટ્રોલ, વોટર ક્વોલિટી, ટેમ્પરેચર મોનિટરિંગ, રો મટિરિયલ પ્રોક્યોરમેન્ટ, યુઝ્ડ કૂકિંગ ઓઇલ તથા અન્ય ફૂડ સેફ્ટી સંબંધિત જરૂરી રેકોર્ડ્સ જાળવવા. કિચન CCTV તથા લાઇવ ડિસ્પ્લે દ્વારા ટ્રાન્સપરન્સી જાળવવી.