સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Nasirwadi Demolition Case: સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનમાં સરકારે કોર્ટમાં સ્વીકાર્યું છે કે દબાણો કોઇ પણ સત્તાધીશોની મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે વીજ કંપનીએ જણાવ્યું કે, અમને કોઈ લેખિત નહીં પણ ટેલિફોનિક સૂચના મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે 10 થી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં અમારા વીજ મીટરોને પણ નુકસાન થયું હતું. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો પણ કરી શકે તેવા સંકેત આપ્યા છે.
ડિમોલિશન કરવા બદલ કોર્પોરેશનને ખખડાવ્યું
બીજી તરફ, હાઈકોર્ટે કોર્પોરેશનને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે, આટલું મોટું ડિમોલિશન થયું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શું કરતા હતા? તમારા કમિશનર ટોરેન્ટને ટેલિફોનિક સૂચના આપે છે! કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા વગર તમે લોકોના મકાનો કેવી રીતે તોડી શકો?

તપાસના આદેશ આપી માત્ર નાટક?
સરકારે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, આ દબાણો ખોટી રીતે તોડી પડાયા છે અને તેના માટે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે કબૂલ્યું કે જ્યારે 150 જેટલા મકાનો તોડાતા હતા ત્યારે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ટોરેન્ટના અધિકારીઓ ત્યાં હાજર હતા અને તેઓ માત્ર તમાશો જોઈ રહ્યા હતા.

25 જૂન હાથ ધરાયેલી સુનાવણીમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કર્યા હતા વેધક સવાલો
- જો SMCએ ડિમોલિશન નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?
- તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?
- સુરત CPને ફરિયાદ અપાઈ તો લીધી કેમ નહીં?
- કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે હાજર હતા?
- અરજદારે હાજર પોલીસ કર્મચારીઓના નામ-હોદ્દા કેમ નથી જણાવ્યા?
- પોલીસ કમિશનર જવાબ આપે, ડિમોલિશન SMCએ કર્યું કે બીજા કોઈએ?
- ટોરેન્ટ પાવર જણાવે કે કોના આદેશથી વીજ કનેક્શન કાપ્યા?
- આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટીએ કયા કયા પગલાં લીધા?
26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
મહત્વનું છે કે સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.







