Ahmedabad

ગ્રાઉન્ડ રિપોર્ટ: ખાંડના ભાવ વધતાં અમદાવાદમાં ઘણી જગ્યાએ ચાની ચૂસકી મોંઘી થઈ, બીજી તરફ 'મીઠાઇ'માં પણ ભડકો થશે

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ખાંડના ભાવ 40-50 રૂપિયાથી વધીને 70-80 રૂપિયા પ્રતિ કિલો થયા છે. કાલુપુરના વેપારીઓ અનુસાર, અછતની અફવાને કારણે ખરીદી વધી. આથી મીઠાઈના ભાવમાં 30-50 રૂપિયા અને ચાના ભાવમાં 12-15 રૂપિયાનો વધારો થયો છે. કીટલીવાળાને દૈનિક 1000-1500 રૂપિયાનું નુકસાન થયું, કારણ કે ગ્રાહકોએ ચા પીવાનું ઘટાડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રાઉન્ડ રિપોર્ટ: ખાંડના ભાવ વધતાં અમદાવાદમાં ઘણી જગ્યાએ ચાની ચૂસકી મોંઘી થઈ, બીજી તરફ 'મીઠાઇ'માં પણ ભડકો થશે

Sugar Price Hike: છેલ્લા કેટલાક દિવસોથી ખાંડના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના લીધે મીઠાઈ અને ચાની કિંમતમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. તહેવારોના ટાણે મીઠાઈના ભાવમાં 30થી 50 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે દરેક ચાર રસ્તે આવેલી કિટલીઓ પર પણ અડધી ચાનો ભાવ 12થી 15 રૂપિયા અને આખી ચાનો ભાવ 25થી 30 રૂપિયા થઈ ગયો છે. આ સ્થિતિ અંગે 'ગુજરાત સમાચાર'ની ટીમે ચાની કિટલી ચલાવતા વેપારીઓ અને કાલુપુર સ્થિત ચોખા બજારના વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

અગાઉ ખાંડ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાતી

અમદાવાદના ચોખા બજારમાં ખાંડ હાલ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. અહીંના હોલસેલ અને રિટેલ વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખાંડની અછત હોવાની અફવા અને વાત ફેલાતા લોકોમાં ખરીદી વધી છે. આ અગાઉ ખાંડ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી. ઉત્પાદન ઓછું હોવું અને આ વેપાર મંડળીઓ દ્વારા સંચાલિત હોવાથી તેના પર સરકારનું સીધું નિયંત્રણ નથી. અગાઉ 9 વર્ષ પહેલાં પણ આ જ રીતે ખાંડના ભાવ વધ્યા હતા. જો કે, વેપારીઓનું માનવું છે કે થોડા સમયમાં અછત પૂરી થતાં સ્થિતિ ફરી સામાન્ય થઈ જશે.

ચાની કિટલી ચલાવતા લોકોના મંતવ્યો જુદા-જુદા

બીજી તરફ ચાની કિટલી ચલાવતા લોકોના પણ આ અંગે અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા છે. કેટલાક કિટલી ધારકોનું માનવું છે કે દૂધ અને ચા પત્તી બાદ હવે ખાંડના ભાવ વધતા અડધી ચા 15 રૂપિયામાં વેચવી પડી રહી છે. જો હજુ પણ ભાવ વધશે તો અડધી ચાના 20 રૂપિયા કરવા પડશે. જ્યારે અન્ય વેપારીઓનું કહેવું છે કે તેમની કિટલી પર સામાન્ય વર્ગથી લઈને અમીર વર્ગ સુધીના લોકો આવે છે. જો 10 રૂપિયાની અડધી ચાનો ભાવ વધીને 15 કે 20 રૂપિયા થશે, તો સામાન્ય માણસ ચા પીવાનું ટાળશે, જેનાથી આવકમાં મોટો ઘટાડો થશે. ખાંડનો ભાવ 70થી 80 રૂપિયા થતાં દૈનિક વેચાણમાં 1,000થી 1,500 રૂપિયાનો ફરક પડ્યો છે. આ ઉપરાંત, અગાઉ જે ગ્રાહકો દિવસમાં 6થી 7 કપ ચા પીતા હતા, તેઓ હવે ઘટીને 2થી 3 કપ પર આવી ગયા છે, જેની સીધી અસર ધંધા પર પડી છે.

તહેવાર ટાણે મીઠાઈઓના ભાવ પણ વધી શકે

હવે વાત કરીએ મીઠાઈની, તો ખાંડના ભાવ વધતાં આગામી દિવસોમાં મીઠાઈ પણ મોંઘી થઈ શકે છે. મોટાભાગની મીઠાઈઓમાં ખાંડ મુખ્ય ઘટક હોય છે. હાલ તહેવારોને લીધે વેપારીઓએ ભાવ વધાર્યા નથી, પરંતુ તેમના જણાવ્યા મુજબ હોલસેલમાં હજારો કિલો ખાંડનો વપરાશ થાય છે. જો સામાન્ય ભાવ વધારો ગણવામાં આવે તોપણ હોલસેલમાં પ્રતિ કિલો મીઠાઈ પર 10થી 15 રૂપિયાનો ખર્ચ વધી જાય છે. ત્યારબાદ રિટેલ માર્કેટ સુધી પહોંચતા માર્કેટમાં કિલોએ 30 રૂપિયા જેટલો વધારો થઈ શકે છે.