ભારે ગંદકી અને એક્સપાયર્ડ ખોરાક: લાયસન્સ વગર ચાલતું અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલાનું કેન્ટીન સીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Sealed St Xaviers Loyola School Canteen : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મંગળવારે(18 ઓગસ્ટ) વિજય ચાર રસ્તા નજીક આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલના કેન્ટીનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેન્ટીનમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ, એક્સપાઈરી ડેટ પૂરી થઈ ગઈ હોય તેવી 12 જેટલી ખાદ્યચીજોનો વપરાશ, કાયદેસરના ફૂડ લાયસન્સનો અભાવ તેમજ ગ્લોવ્ઝ વગર જ અસ્વચ્છ રીતે ખોરાક બનાવવામાં આવતો હોવાનું સામે આવતાં તંત્રએ કેન્ટીનને સીલ મારી દીધું છે.
એક્સપાયરી ડેટ વાળી ચીજો અને ગંદકીભર્યું રસોડું
AMCના ફૂડ સેફ્ટી ઓફિસર સહિતની ટીમ દ્વારા સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં હાથ ધરાયેલા ચેકિંગમાં ચોંકાવનારી બેદરકારી સામે આવી હતી. રસોડામાં વપરાતા વાસણો અને સાધન-સામગ્રી અત્યંત ગંદા હતા. આ ઉપરાંત ખોરાક બનાવતા કારીગરોએ હાથમાં ગ્લોવ્ઝ કે માસ્ક પણ પહેર્યા નહોતા. સૌથી ગંભીર બાબત એ હતી કે, કેન્ટીનમાંથી 12 જેટલી એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવી સામગ્રી મળી આવી હતી, જે વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ભારે જોખમી સાબિત થઈ શકે તેમ હતી.
ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરી કાર્યવાહી
તપાસ દરમિયાન કેન્ટીન સંચાલક મ્યુનિસિપલ કોર્પોરેશનનું કાયદેસરનું ફૂડ લાયસન્સ કે રજિસ્ટ્રેશન પણ રજૂ કરી શક્યા નહોતા. જેથી 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' (FSSA)ની જોગવાઈઓ હેઠળ જાહેર આરોગ્યના હિતમાં કેન્ટીનને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સંચાલકને કડક ચેતવણી આપવામાં આવી છે કે લાયસન્સ અને જરૂરી નિયમોનું પાલન કર્યા વિના કેન્ટીન પુનઃ શરૂ કરી શકાશે નહીં.
પોદાર ઇન્ટરનેશનલ અને અદાણી વિદ્યા મંદિરમાં પણ ચેકિંગ
તાજેતરમાં જ શહેરની એક શાળાના કેન્ટીનના ખોરાકમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાની ઘટના બનતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની સૂચનાથી શાળાઓના કેન્ટીનમાં વ્યાપક ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાંદખેડા સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને મકરબા સ્થિત અદાણી વિદ્યા મંદિરના કેન્ટીનમાં પણ તપાસ કરીને ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
AMC સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી શાળાઓ અને કેન્ટીન સંચાલકો સામે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ કડક રીતે ચાલુ રાખવામાં આવશે.












