Ahmedabad

સોનિયા ગાંધીના પુસ્તકમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ, ભાજપે ‘વ્હાઇટવોશિંગ’ ગણાવીને સાધ્યું નિશાન

By GS Team
11 Nov 20265 mins read
TukuTouch Logo
સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ'થી રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. આ પુસ્તકમાં તેમણે 2002ના ગુજરાત રમખાણો અને PM મોદી સાથેના વૈચારિક મતભેદો વિશે લખ્યું છે. ભાજપે આ પુસ્તકને 'વ્હાઇટવોશિંગ' ગણાવી, 1984ના શીખ રમખાણો અને 1975ની કટોકટીનો મુદ્દો ઉઠાવ્યો છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી રાજકારણ ગરમાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયા ગાંધીના પુસ્તકમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ, ભાજપે ‘વ્હાઇટવોશિંગ’ ગણાવીને સાધ્યું નિશાન

Sonia Gandhi Book Belonging Sparks Political Row Over 2002 Gujarat Riots & PM Modi : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનું ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ નામનું આત્મકથાત્મક પુસ્તક હાલ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 10 નવેમ્બરના રોજ પ્રકાશિત આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ તેમના જીવનની અનેક ભાવનાત્મક, અંગત અને ઐતિહાસિક ક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને 2002ના ગુજરાત રમખાણોની ભયાનકતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વૈચારિક મતભેદો અને દેશના અન્ય રાજકીય ઘટનાક્રમ વિશે તેમણે ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા છે. આ પુસ્તક બજારમાં આવતા જ શાસક પક્ષ ભાજપે પણ તેમના પર નિશાન સાધ્યું છે અને આકરા પ્રહારો કર્યા છે.

2002ના ગુજરાત રમખાણ વિશે શું લખ્યું?

આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ 2002માં ગુજરાતમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોને યાદ કર્યા છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના ચાર ડબ્બાને ગોધરામાં આગ લગાવાઈ હતી, જેમાં રામ મંદિરના દર્શને ગયેલા હિન્દુ કારસેવકો સવાર હતા. આ ગોઝારી ઘટનામાં 59 લોકોના મોત થયા હતા. સોનિયા ગાંધી લખે છે કે આગ લાગવાનું કારણ હજુ પણ વિવાદનો વિષય છે, પરંતુ આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં મુસ્લિમોએ સૌથી વધુ સહન કરવું પડ્યું હતું.

ગુજરાતનું વહીવટીતંત્ર નિષ્ફળ ગયું હોવાનો આરોપ

આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, રમખાણોના સમાચારો જાણીને તેમને સખત આઘાત લાગ્યો હતો. આ પુસ્તકમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, જ્યારે પરિસ્થિતિ વણસી રહી હતી અને રાજ્યભરમાં સાંપ્રદાયિક હિંસામાં લોકો જીવ ગુમાવી રહ્યા હતા, ત્યારે રાજ્ય વહીવટીતંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ ગયું હતું. મદદ માટે વિનંતી કરી રહેલા ગુજરાતના કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ વહીવટી તંત્ર તરફથી કોઈ જ યોગ્ય જવાબ મળ્યો ન હતો. આ રમખાણો ભડકાવવા પાછળ ભાજપ અને RSSના કટ્ટરપંથી જૂથ બજરંગ દળનો હાથ હતો.

સોનિયા ગાંધીને ગુજરાત આવવાની મંજૂરીનો ઉલ્લેખ

આ રમખાણો થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે સોનિયા ગાંધી સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદની મુલાકાતે ગયા હતા. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે તેમને અનિચ્છાએ આ મુલાકાતની મંજૂરી આપી હતી. ગુજરાતના અધિકારીઓએ જે અહેવાલ રજૂ કર્યો હતો તેમાં હિંસાના પીડિતો પ્રત્યે કોઈ માનવીય સહાનુભૂતિ ન હતી.

રાહત શિબિરોની મુલાકાત દરમિયાન હૃદયદ્રાવક દૃશ્યો

આ મુલાકાત વખતે સોનિયા ગાંધીને સુરક્ષાના કારણોસર બસમાં બેસાડીને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા હતા. આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે, રાહત શિબિર એટલે એક હૉલમાં આઘાતગ્રસ્ત પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બેઠા હતા. એક અત્યંત નબળી અને નિસ્તેજ દેખાતી નાની બાળકીના પિતાએ નેતાઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. પિતાએ રડતાં રડતાં કહ્યું કે, કેટલાક રાક્ષસોએ તેમની દીકરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે એ દૃશ્ય જોઈને તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને ભયથી સ્તબ્ધ થઈ ગયા હતા; માત્ર સહાનુભૂતિના બે બોલ સિવાય તેઓ કંઈ બોલી શક્યા ન હતા.

નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવાયા પણ નહીં

આ રમખાણો બાદ અપેક્ષા હતી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવી દેશે, પરંતુ પક્ષના આંતરિક દબાણને કારણે તેઓ તેમ કરી શક્યા ન હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. 2005માં અમેરિકા, બ્રિટન અને કેટલાક યુરોપિયન દેશોએ મોદીને વિઝા આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, સોનિયા ગાંધીએ લખ્યું છે કે, 12 વર્ષ પછી જ્યારે તેઓ ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારે આ જ દેશોએ તેમનું સન્માન કર્યું હતું.

વડાપ્રધાન મોદી સાથે માત્ર ઔપચારિક સંબંધો છે

આ આત્મકથામાં નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો વિશે પણ વાત કરાઈ છે. તેઓ લખે છે કે નરેન્દ્ર મોદી 12 વર્ષથી વધુ સમયથી વડાપ્રધાન છે અને હવે તેમના ત્રીજા કાર્યકાળમાં છે. આમ છતાં, બંને વચ્ચે ક્યારેય કોઈ અંગત વાતચીત થઈ નથી. બંનેના વૈચારિક દૃષ્ટિકોણ અને ભારત પ્રત્યેની વિચારસરણી તદ્દન અલગ છે. સંસદના સત્રો પૂરા થયા પછી સ્પીકરની ચેમ્બરમાં યોજાતી ઔપચારિક બેઠકોમાં પણ તેઓ માત્ર ‘નમસ્તે’ કહીને એકબીજાનું અભિવાદન કરે છે. સોનિયા ગાંધીના મતે, વડાપ્રધાન મોદી ઘણીવાર આંખ મિલાવવાનું ટાળે છે અને બીજી તરફ જોતાં રહે છે. માત્ર એક જ વાર તેમણે બીમારી બાદ હૉસ્પિટલમાંથી પાછા ફરેલા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે ટૂંકી પૂછપરછ કરી હતી, જેનો તેમણે આભાર માનીને ટૂંકો જવાબ આપ્યો હતો. એ સિવાય તેમની વચ્ચે માત્ર જન્મદિવસ કે નવા વર્ષની ઔપચારિક શુભેચ્છાઓ જ અપાય છે.

સોનિયા ગાંધી પર ભાજપનો ‘વ્હાઇટવોશિંગ’નો આરોપ

આ પુસ્તક અંગે ભાજપે કોંગ્રેસ પર પસંદગીયુક્ત સંવેદના (Selective Grief) દાખવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી. આર. કેસવને કહ્યું છે કે આ પુસ્તકનું નામ ‘બિલોંગિંગ’ને બદલે ‘વ્હાઇટવોશિંગ’ હોવું જોઈએ, કારણ કે તેનો મુખ્ય હેતુ નહેરુ-ગાંધી પરિવાર અને કોંગ્રેસના દાયકાઓના શાસન દરમિયાન થયેલી ભૂલો અને ગુના પર પડદો પાડવાનો છે.
આ પુસ્તકમાં કરાયેલા આરોપો સામે ભાજપ નેતાઓએ 1984ના શીખ વિરોધી રમખાણો અને 1975ની ઇમરજન્સીના મુદ્દા ઉઠાવ્યા છે.

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પ્રશ્ન કર્યો કે સોનિયા ગાંધી બાબરી મસ્જિદ માટે રડ્યા હતા, પરંતુ ગોધરા કાંડમાં જીવતા સળગાવી દેવાયેલા કારસેવકો કે 1984ના રમખાણો વખતે હજારો નિર્દોષ શીખો માર્યા ગયા ત્યારે તેમની આંખોમાં આંસુ કેમ ન આવ્યા.
  • ભાજપના નેતા એચ. એસ. ફૂલકાએ પણ આરોપ લગાવ્યો કે પુસ્તકમાં 1984ના રમખાણો વિશે ખોટી માહિતી આપીને ગાંધી પરિવારને ક્લિનચિટ આપવાનો પ્રયાસ થયો છે.
  • ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પુસ્તકના અન્ય દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સોનિયા ગાંધીએ બાબરી મસ્જિદના ધ્વંસને ટીવી પર લાઇવ જોવાનો દાવો કર્યો છે, પરંતુ તે સમયે દૂરદર્શને આવી કોઈ ઘટનાનું સતત જીવંત પ્રસારણ કર્યું જ ન હતું, તો તેમણે આ દૃશ્યો ક્યાં જોયા હતા?

ખેર, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો હંમેશા રાજકારણનો અભિન્ન હિસ્સો રહ્યા છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના આ દોરમાં એક પુસ્તકના વિમોચને દાયકાઓ જૂના વૈચારિક સંઘર્ષોને ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે. એક તરફ વિપક્ષી નેતાએ તેમના પુસ્તકમાં રજૂ કરેલા સંસ્મરણો ઇતિહાસને તેમના દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયાસ કરે છે, ત્યારે શાસક પક્ષ જૂના શાસકોનો ભૂતકાળ યાદ કરાવીને પોતે ‘નૈતિક’ હોવાની મથામણ કરે છે. આ શબ્દયુદ્ધ માત્ર રાજકીય લડાઈ નથી, પરંતુ જનમાનસમાં પોતાની વિચારધારાને સર્વોચ્ચ સાબિત કરવાની એક શાબ્દિક કવાયત છે, જેથી ભવિષ્યની ચૂંટણીઓમાં તેમને ફાયદો મળતો રહે.