Ahmedabad

સોલા STP દુર્ઘટના: 2 શ્રમિકોના મોત બદલ એજન્સીને 50 લાખનો દંડ, FIR કે બ્લેકલિસ્ટ કરવા અંગે રિપોર્ટની રાહ જોતી AMC

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં 2 શ્રમિકોના મોત અને 2 ઇજાગ્રસ્ત થતા AMCની ભૂમિકા શંકાના ઘેરામાં છે. 61 કરોડનો કોન્ટ્રાક્ટ ધરાવતી HNB એજન્સીને 50 લાખનો દંડ ફટકારી સંતોષ મનાયો છે. મૃતકોને 30-30 લાખ વળતરની વાત છે, પરંતુ FIR કે બ્લેકલિસ્ટિંગની કાર્યવાહી નથી. PMC રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, પરંતુ SOPનો અભાવ દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોલા STP દુર્ઘટના: 2 શ્રમિકોના મોત બદલ એજન્સીને 50 લાખનો દંડ, FIR કે બ્લેકલિસ્ટ કરવા અંગે રિપોર્ટની રાહ જોતી AMC

Ahmedabad Sola STP Tragedy: અમદાવાદના સોલા સ્થિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ખાતે સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં 2 શ્રમિકોના કરુણ મોત અને અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોર્પોરેશને HNB નામની ખાનગી એજન્સીને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારીને આખી ઘટના પર ઈતિશ્રી કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. બે લોકોના જીવ ગયા હોવા છતાં, એજન્સી સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ (FIR), ડિબાર્ડ કે બ્લેકલિસ્ટ કરવાની કડક કાર્યવાહી કરવાને બદલે તંત્ર હવે પીએમસી (PMC)ના રિપોર્ટનો કાગળનો ઘોડો દોડાવી રહ્યું છે.

61 કરોડનો કોન્ટ્રાક્ટ અને માત્ર દંડથી સંતોષ!

ઉલ્લેખનીય છે કે, HNB એજન્સી પાસે સોલા STP માટે કેપિટલ ખર્ચ પેટે 45 કરોડ રૂપિયા અને ઓપરેશન તથા મેન્ટેનન્સ પેટે 16 કરોડ રૂપિયા મળીને કુલ 61 કરોડ રૂપિયાનો 10 વર્ષનો જંગી કોન્ટ્રાક્ટ છે. આટલો મોટો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના કાર્યસ્થળે સુરક્ષાના ધોરણોના અભાવે ૨ લોકો પોતાના જીવ ગુમાવે છે, છતાં તંત્ર માત્ર 50 લાખના દંડ અને મૃતકોને 30-30 લાખની વળતર બાંહેધરી સુધી જ મર્યાદિત રહે છે. ઘટનાના દિવસો વીતી ગયા હોવા છતાં ક્રિમિનલ પ્રોસિડિંગ્સ કે બ્લેકલિસ્ટિંગ અંગે આટલી ઢીલી નીતિ કેમ? તે લોકમુખે ચર્ચાતો પ્રશ્ન છે.

તંત્રનો રિપોર્ટ પર આધાર અને SOPનો અભાવ

સિટી એન્જિનિયર વિજય પટેલના જણાવ્યા મુજબ, "STPનું ટ્રાયલ રન ચાલુ હતું તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC)નો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરાશે."

પરંતુ, સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, આટલા જોખમી પ્લાન્ટમાં કામગીરી કરવા માટે કોઈ ચોક્કસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જ અસ્તિત્વમાં નહોતી! સુરક્ષાના કોઈ સાધનો, ચોક્કસ ગાઈડલાઈન કે ઇમરજન્સી પ્રોટોકોલ વિના કામદારોને કાળના મુખમાં ધકેલી દેવાયા હોવાનો પર્દાફાશ થયો છે.

મનીષા ગાયબ, પાલિકાની સેફ્ટી કાગળ પર

કોર્પોરેશનની ઘોર બેદરકારીનું આ એકમાત્ર ઉદાહરણ નથી. અમદાવાદના પીપળજ ખાતે 10 વર્ષની દિવ્યાંગ બાળકી મનીષા ગટરની લાઇનમાં ખાબક્યાને 20 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની કોઈ ભાળ મળી નથી. આ બંને ઘટનાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે અમદાવાદમાં નાગરિકો અને શ્રમિકોની સુરક્ષા તંત્ર માટે કોઈ પ્રાથમિકતા જ નથી.