Ahmedabad

અમદાવાદ સોલા STP પ્લાન્ટ દુર્ઘટના: મૃતકોના પરિવારને 30-30 લાખ અને બાળકોના અભ્યાસનો ખર્ચ કોન્ટ્રાક્ટર ઉઠાવશે

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં દુર્ઘટનામાં 2 લોકોના મોત થતાં કોન્ટ્રાક્ટર દ્વારા મૃતકોના પરિવારને 30-30 લાખ રૂપિયા અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવામાં આવશે. પોલીસ તપાસમાં સુરક્ષા સાધનો અને જવાબદારી અંગે સ્પષ્ટતા થશે. કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ ફટકાર્યો છે. 9 નવેમ્બરે 1,024 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. દિવાળીમાં રાત્રે ફટાકડાના કચરાની સફાઈ થશે અને ફાયર બ્રિગેડ એલર્ટ પર રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સોલા STP પ્લાન્ટ દુર્ઘટના: મૃતકોના પરિવારને 30-30 લાખ અને બાળકોના અભ્યાસનો ખર્ચ કોન્ટ્રાક્ટર ઉઠાવશે

Ahmedabad Sola STP Plant Incident: અમદાવાદના સોલા STP પ્લાન્ટ ખાતે કામગીરી દરમિયાન બનેલી દુર્ઘટનામાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતા. આ ઘટનામાં જવાબદારી કોની હતી અને કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. દરમિયાન, મૃતકોના પરિવારોને આર્થિક સહાય આપવાની સાથે તેમના બાળકોના શિક્ષણની જવાબદારી પણ કોન્ટ્રાક્ટર દ્વારા સ્વીકારવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, બંને મૃતકોના પરિવારોને કોન્ટ્રાક્ટર દ્વારા 30-30 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, બંને પરિવારોના નાના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ પણ કોન્ટ્રાક્ટર ઉઠાવશે. અગાઉ 25-25 લાખ રૂપિયા આપવા માટે કહેવાયુ હતુ.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેને સોલા STP દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, ઘટનામાં જવાબદારી નક્કી કરવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોવાનું જણાય છે. જો કે, આ મામલે અંતિમ જવાબદારી પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

સુરક્ષાના સાધનો અંગે પણ તપાસ કરાશે

ચેરમેને વધુમાં જણાવ્યું હતુ કે, કામગીરી દરમિયાન કામદારો માટે જરૂરી સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા કે નહીં અને જો સાધનો ઉપલબ્ધ હતા તો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં તે બાબત પણ પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે. આ તમામ પાસાની તપાસ બાદ ઘટનામાં જવાબદારી નક્કી કરવામાં આવશે. આ સિવાય કોર્પોરેશન દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટરને 50 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે નોટિસ આપવામાં આવી છે. આમ, એક તરફ મૃતકોના પરિવારોને આર્થિક સહાય અને બાળકોના શિક્ષણની જવાબદારી કોન્ટ્રાક્ટરે સ્વીકારી છે, તો બીજી તરફ દુર્ઘટનામાં બેદરકારી કે જવાબદારી અંગેની પોલીસ તપાસ પણ ચાલુ છે.

9 નવેમ્બરે 1,024 કરોડના 30 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આગામી 9 નવેમ્બરે કુલ 1,024 કરોડ રૂપિયાના 30 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે. આ વિકાસકાર્યોમાં મુખ્યત્વે હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ સહિત શહેરીજનોની સુવિધાઓને લગતાં વિવિધ કામોનો સમાવેશ થાય છે.

દિવાળીમાં રાત્રે જ ફટાકડાના કચરાની સફાઈ કરાશે, ફાયર બ્રિગેડ એલર્ટ મોડ પર

દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં સ્વચ્છતા અને અગ્નિસુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. રસ્તાઓ પર ફટાકડા ફોડવાને કારણે એકત્રિત થતા કચરાની રાત્રિના સમયે જ સફાઈ કરીને તેનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત આગની સંભવિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને એલર્ટ મોડ પર અને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના બને અને નાગરિકોને તાત્કાલિક સારવારની જરૂર પડે તો મ્યુનિસિપલ હોસ્પિટલનો સ્ટાફ પણ સ્ટેન્ડબાય રહેશે.