ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં પાસબુક-FD બુકની અછત, કોંગ્રેસે કહ્યું-'કૌભાંડની શક્યતા, ગેરવહીવટ માટે સરકાર જવાબદાર'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shortage of Passbooks and FD books in Gujarat Post Offices: ગુજરાત રાજ્યમાં આવેલી અંદાજે 9 હજાર જેટલી પોસ્ટ ઓફિસોમાં છેલ્લા બે મહિનાથી પાસબુક અને ફિક્સ ડિપોઝીટ બુક સહિતની સ્ટેશનરી ખૂટી પડી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. દાવા મુજબ નાણાંકીય સેવાઓ માટેના પ્રિન્ટિંગ મશીનો બંધ હોવાથી નવા ખાતા કે નવી FD ખોલાવનાર લાખો રોકાણકારોને પાસબુકના બદલે માત્ર સિક્કો મારેલી સ્લીપ આપવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને કારણે સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના અંદાજિત 2 કરોડ જેટલા ખાતેદારોની મૂડી જોખમમાં મુકાઈ હોવાનો દાવો કરતા કોંગ્રેસે સરકારને ચીમકી આપી છે કે, જો તાત્કાલિક ધોરણે સ્ટેશનરી પૂરી પાડવામાં નહીં આવે તો આમાં મોટું કૌભાંડ થવાની શક્યતા છે અને ભવિષ્યમાં થનારા કોઈપણ નાણાકીય ગેરવહીવટ માટે સંપૂર્ણપણે સરકાર જ જવાબદાર રહેશે.
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે-
આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, પરંતુ બીજી બાજુ ગુજરાત અને દેશનું અર્થતંત્ર, ખાસ કરીને ગરીબ, મધ્યમ વર્ગના લોકો અને સિનિયર સિટીઝનો પોસ્ટલ ફાઇનાન્શિયલ સર્વિસ પર નભે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં આશરે 9,000 જેટલી પોસ્ટ ઓફિસો છે, જેમાં 1,000 શહેરોમાં અને 8,000 ગામડાઓમાં છે, અને તેમાં લગભગ 2 કરોડ જેટલા ખાતાઓ છે. આ બે કરોડ ખાતેદારો માટે છેલ્લા બે મહિનાથી પોસ્ટ ઓફિસોમાં કોઈપણ પ્રકારની સ્ટેશનરી ઉપલબ્ધ નથી. સામાન્ય બચત ખાતું, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, માસિક આવક યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે કિસાન વિકાસ પત્ર જેવી કોઈ પણ સર્વિસ માટે ખાતું ખોલાવ્યા પછી લોકોને જે પાસબુક આપવાની હોય છે, તે પાસબુક જ અત્યારે અવેલેબલ નથી.
સ્ટેટમેન્ટને બદલે માત્ર સિક્કો મારેલી પહોંચ
તેમણે વધુમાં કહ્યું કે, પાસબુક ન હોવાથી, જ્યારે કોઈ વ્યક્તિ પૈસા ભરવા જાય છે ત્યારે તેને એક સામાન્ય પે-સ્લિપ પર સિક્કો મારીને આપી દેવામાં આવે છે અને ગુજરાતમાં રોજનું હજારો કરોડનું ટર્નઓવર આ રીતે જ ચાલી રહ્યું છે. એક તરફ ડિજિટલ પ્રિન્ટિંગ નથી, સર્વર બંધ રહે છે અને સ્ટેશનરી પણ નથી, જેનાથી ભવિષ્યમાં લાખો-કરોડો રૂપિયાના ગોટાળા થવાની સંભાવના ઊભી થઈ છે. બીજી તરફ પોસ્ટ ઓફિસના નિયમો એટલા કડક છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિની પાસબુક ખોવાઈ કે ફાટી જાય, તો તેણે પહેલા 300 રૂપિયાની એફિડેવિટ કરવી પડે અને પોલીસ ફરિયાદની નકલ રજૂ કર્યા પછી જ નવી પાસબુક માટે અરજી લેવાય છે. અત્યારે નવા ખાતાધારકો, જેમના પાસબુક ભરાઈ ગયા છે તેવા લોકો અને હજારો પેન્ડિંગ અરજીઓવાળા લોકોને સ્ટેટમેન્ટને બદલે માત્ર સિક્કો મારેલી પહોંચ જ પકડાવી દેવામાં આવે છે.
કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે પેન્શનરો, ખેડૂતો અને વડીલો જેઓ બેંકોના જોખમથી બચવા પોતાની આર્થિક સુરક્ષા માટે પોસ્ટ પર ભરોસો કરે છે, તેમના ભરેલા નાણાંની સુરક્ષા સરકાર કઈ રીતે આપી રહી છે? સામાન્ય પે-સ્લિપ સિવાય તેમની પાસે પોતાના જ પૈસાની સાબિતી શું છે? આના ઉપર સત્વરે પગલાં લેવામાં આવે. જો આ 2 કરોડ ખાતેદારો માટે તાત્કાલિક પાસબુક અને સ્ટેશનરીની વ્યવસ્થા કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું ફાઇનાન્શિયલ નુકસાન કે ફ્રોડ થશે, તો તેની સીધી અને સંપૂર્ણ જવાબદારી સરકારની જ રહેશે.









