અમદાવાદમાં હવે ગટર અને પાણીના કનેક્શન માટે AMCની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાનો વિકલ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Online Services: અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા મિલકત વેરો, જન્મ-મરણ અને લગ્નની નોંધણી, પ્લોટ બુકિંગ બાદ વધુ એક સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાઈ છે. હવે મ્યુનિસિપલની વેબસાઈટ પર અરજી કરી લોકો પાણી તેમજ ડ્રેનેજ લાઈનના જોડાણ પણ ઓનલાઈન મેળવી શકશે. બીજી બાજુ ભવિષ્યમાં ઓફલાઈન અરજીઓ લેવાનું બંધ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.
નવા જોડાણ માટે ઓનલાઈન 10 અરજી કરાઈ, ભવિષ્યમાં ઓફલાઈન પ્રક્રિયા બંધ કરવા વિચારણા
અમદાવાદમાં હવે શહેરીજનો ડ્રેનેજ અને પાણીની લાઈનના નવા તેમજ વધારાના જોડાણ માટે ઓનલાઈન અરજી કરી શકશે. મ્યુનિસિપલ દ્વારા 15 દિવસ અગાઉ વેબસાઈટ પર આ નવી સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ હતી. જેમાં પંદર દિવસમાં જ 10 અરજી આવી હોય લોકોનો સારો પ્રતિસાદ મળતા તેને કાયમ માટે અમલમાં મુકાઈ છે. અત્યાર સુધી નવા કનેક્શનના ફોર્મ ભરવા માટે લોકોએ ઝોનલ કચેરીએ જવું પડતું હતું.
જો કે નવા જોડાણ માટે મિલકત માલિકીના, ઓળખના પુરાવા, બીયુ પરમિશન સાથે સ્થળનો નકશો વગેરે પુરાવા આપવા પડશે. તેમજ સોસાયટીઓએ આ સાથે એનઓસી, રોડ કટિંગ પરવાનગી અને પ્લમ્બર લાયસન્સ પણ રજૂ કરવા પડશે. આવા પુરાવા શોધવામાં લોકો અટવાઈ જતા હોય છે. હાલ તો ઓનલાઈન સાથે ઓફલાઈન એટલે કચેરીએ પણ નવા જોડાણ માટે મ્યુનિ. અરજી સ્વીકારશે. પરંતુ બાદમાં લગ્ન નોંધણીની જેમ નવા ગટર-પાણીના જોડાણની અરજીઓ પણ ઓફલાઈન સંપૂર્ણ બંધ કરી દેવા વિચારણા ચાલી રહી હોવાનું મ્યુનિ.ના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.




