AMCની ગંભીર બેદરકારી: અમદાવાદના અસારવામાં દુર્ગંધવાળા પાણી છતાં ટાંકીની તપાસ નહીં, સફાઈ કરાવતા હાડકાં જેવી વસ્તુઓ મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Asarwa Water Tank Bones Found: અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી હાડકાં જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં ચકચાર મચી છે. ટાંકીમાંથી દુર્ગંધ મારતું અને ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદો છતાં સમયસર ટાંકીની તપાસ ન કરવામાં આવી હોવાના આક્ષેપ વચ્ચે સફાઈ કામગીરી દરમિયાન આ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વસ્તુઓ કબજે કરીને તપાસ શરૂ કરી છે.
દુર્ગંધવાળા પાણી છતાં ટાંકીની તપાસ નહીં
મહત્ત્વનું છે કે, પાણીની ટાંકી દર છ મહિને સાફ કરવાની હોય છે. જો કે, આ ટાંકીની છેલ્લે પોણા બે વર્ષ એટલે કે જાન્યુઆરી 2025માં સફાઈ થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ સિવાય દર છ મહિને સફાઈ થાય છે કે નથી થતી તે તપાસવા પણ અધિકારીઓને તાકીદ કરી છે.
ટાંકીના તળિયેથી હાડકાં જેવી વસ્તુઓ મળી
મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા અસારવા ગામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની અન્ડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કોન્ટ્રાક્ટર મારફતે કરાવવામાં આવી રહી હતી. સફાઈ દરમિયાન કામદારોને ટાંકીના તળિયેથી હાડકાં જેવી વસ્તુઓ મળી આવી હતી. સફાઈ કામદારોએ તાત્કાલિક ઇજનેર વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર ટાંકી ખાલી કરાવવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
FSLએ શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી
ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી હતી. મળતી માહિતી મુજબ, બુધવારે(23 સપ્ટેમ્બર) રાત્રે 8 વાગ્યાની આસપાસ FSLની ટીમે સ્થળ પર પહોંચી શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી હતી. હાલમાં મળી આવેલી વસ્તુઓ ખરેખર હાડકાં છે કે અન્ય કોઈ સામગ્રી છે અને તે ટાંકીમાં કેવી રીતે પહોંચી તે અંગે પોલીસ તથા FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસના પરિણામ બાદ જ તેની હકીકત સ્પષ્ટ થશે.
પમ્પિંગ સ્ટેશનની સુરક્ષા સામે પણ સવાલ
સ્થાનિકના જણાવ્યા મુજબ, અસારવા પમ્પિંગ સ્ટેશનમાંથી આવતું પાણી છેલ્લા કેટલાક દિવસથી ડહોળું અને દુર્ગંધવાળું આવી રહ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમયસર પાણીની ટાંકીની તપાસ કરવામાં આવી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. પમ્પિંગ સ્ટેશન પાસે કોઈ પ્રકારની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નથી. આટલા દિવસથી લોકો પરેશાન હોવા છતાં ટાંકીની તપાસ ન કરવામાં આવી તે ગંભીર બેદરકારી છે.
પોટેશિયમ પરમેંગેનેટથી ટાંકીની સફાઈ
શંકાસ્પદ વસ્તુઓ મળી આવ્યા બાદ કોર્પોરેશનના વોટર ઓપરેશન્સ વિભાગે મડ પંપ વડે ટાંકીમાંથી પાણી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટ કેમિકલનો ઉપયોગ કરીને સમગ્ર ટાંકી અને તેની દીવાલોની સફાઈ કરવામાં આવી હતી. ટાંકી ધોઈને ફરી પાણી ભરવામાં આવ્યું છે. હવે ક્લોરિનેશનની ચકાસણી બાદ પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.
ટાંકીની સફાઈ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 25 સપ્ટેમ્બરથી અસારવા વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ટાંકીની સફાઈનો કોન્ટ્રાક્ટ કૃણાલ બિલ્ડરને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ
સ્થાનિકોએ પાણીની ગુણવત્તા અંગે અગાઉથી ફરિયાદો હોવા છતાં સમયસર તપાસ ન કરવામાં આવી હોવાને ગંભીર બેદરકારી ગણાવી છે. પીવાના પાણીની ટાંકીમાં હાડકાં જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવવાની ઘટનાએ પાણીની ટાંકીની સુરક્ષા, નિયમિત તપાસ અને મોનિટરિંગ વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. હવે FSL અને પોલીસની તપાસમાં શંકાસ્પદ વસ્તુઓની હકીકત બહાર આવે અને તે ટાંકી સુધી કેવી રીતે પહોંચી તે સ્પષ્ટ થાય તે મહત્ત્વનું બન્યું છે.




