Ahmedabad

અમદાવાદ RTOમાં બનશે બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક: વેઇટિંગ દૂર કરવા કવાયત, પણ હજુ 8 મહિના જોવી પડશે રાહ

By GS Team
3 Sep 20264 mins read
TukuTouch Logo
અમદાવાદ RTOમાં AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયાને દોઢ મહિનો થયો છે. હાલ એક જ ટ્રેક હોવાથી ફોર-વ્હીલર માટે 50-55 દિવસ અને ટુ-વ્હીલર માટે 30 દિવસનું વેઇટિંગ છે. RTO અધિકારીના જણાવ્યા અનુસાર, 6-8 મહિનામાં બીજો AI ટ્રેક શરૂ થશે, જેથી વેઇટિંગ 50% ઘટશે. AI સિસ્ટમ શરૂ થયા બાદ 17% ફોર-વ્હીલર ચાલકો જ પાસ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ RTOમાં બનશે બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક: વેઇટિંગ દૂર કરવા કવાયત, પણ હજુ 8 મહિના જોવી પડશે રાહ

Ahmedabad RTO AI Driving Test Track : અમદાવાદ RTO ખાતે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે AI આધારિત ટ્રેક શરૂ થયાને આશરે દોઢ મહિનો પૂરો થયો છે. હાલમાં RTO ખાતે એક જ AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત હોવાના કારણે અરજદારોને લાંબુ વેઇટિંગ વેઠવું પડી રહ્યું છે. અત્યારે ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 50થી 55 દિવસ અને ટુ-વ્હીલર માટે 30 દિવસ જેટલું લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. આ વેઇટિંગ પિરિયડને અડધો કરવાના હેતુથી અમદાવાદ RTO ખાતે આગામી 6થી 8 મહિનામાં બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે હાલ પ્લાનિંગ અને ડિઝાઇનિંગ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

નવા ટ્રેકથી વેઇટિંગમાં 50%નો ઘટાડો થશે

અમદાવાદ RTOના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં પાકા લાયસન્સ માટે એક AI ટ્રેક ચાલુ છે. દરરોજ મોટી સંખ્યામાં અરજદારો ટેસ્ટ આપવા માટે આવી રહ્યા છે. આગામી 6થી 8 મહિનામાં બીજો ટ્રેક તૈયાર થઈ ગયા બાદ વેઇટિંગમાં 50% જેટલો સીધો ઘટાડો નોંધાશે, જેનાથી અરજદારોને ખૂબ જ સરળતાથી અને ઝડપથી પાકા લાયસન્સ માટેની ટેસ્ટ આપવાની તક મળશે.

AI સિસ્ટમ શરૂ થયા બાદ માત્ર 17% જ ફોર-વ્હીલર ચાલકો પાસ થયા

અમદાવાદ RTO ખાતે આધુનિક AI ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ (ADTS) અમલી બન્યા બાદ દરરોજ ફોર-વ્હીલરમાં 100થી 110 અને ટુ-વ્હીલરમાં 160થી 180 જેટલા અરજદારોની AI આધારિત ટેસ્ટ લેવામાં આવે છે. આ સિસ્ટમના પ્રથમ મહિનાના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફોર-વ્હીલર(LMV)માં ટેસ્ટ આપનારા કુલ 2060 અરજદારોમાંથી માત્ર 17.38% અરજદારો જ સફળ થયા છે. તેની સરખામણીએ ટુ-વ્હીલરમાં સ્થિતિ વધુ સારી છે, જ્યાં કુલ 3456 અરજદારોમાંથી 73.73% લોકોએ સફળતાપૂર્વક ટેસ્ટ પાસ કરી છે. આ સિસ્ટમ અત્યાધુનિક હોવાથી ભારે વરસાદમાં પણ સંપૂર્ણ સચોટતાથી કામ કરે છે.


image.png

મોટાભાગના અરજદારો નાપાસ થવાના મુખ્ય કારણો

RTOના વિશ્લેષણ મુજબ, ડ્રાઇવિંગ ટેસ્ટમાં મોટાભાગના લોકો નાપાસ થવા પાછળ તેમની પોતાની બેદરકારી અને કૌશલ્યનો અભાવ જવાબદાર છે. ફોર-વ્હીલરની ટેસ્ટમાં નાપાસ થનારા 80% લોકો 'પેરેલલ પાર્કિંગ' નામના તબક્કામાં ભૂલ કરી બેસે છે. જ્યારે ટુ-વ્હીલરમાં નાપાસ થનારા 85% અરજદારો ટ્રેકના છેલ્લા ટર્ન પાસે વાહન પરથી સંતુલન ગુમાવીને પગ નીચે મૂકી દેવાને કારણે (ફૂટ ડાઉન) નાપાસ થાય છે. આ ઉપરાંત ટેસ્ટ આપતી વખતે પૂરતું ધ્યાન ન આપવું, RTO દ્વારા દર્શાવવામાં આવતા ફરજિયાત ડેમો વીડિયોની અવગણના કરવી અને વાહન ચલાવવાની અપૂરતી સ્કીલ જેવા કારણોસર મોટી સંખ્યામાં અરજદારો નાપાસ થઈ રહ્યા છે.

ફોર-વ્હીલર ટેસ્ટના 3 મહત્ત્વપૂર્ણ તબક્કા અને તેના કડક નિયમો

ફોર-વ્હીલરની ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરવા માટે અરજદારે નીચે મુજબના 3 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થવું પડે છે:

  • રિવર્સ S ટ્રેક: સિગ્નલ લીલું થાય એટલે ફોટો કેપ્ચર થશે. ત્યારબાદ ગાડી આગળ લઈ જઈને રિવર્સમાં S આકાર બનાવતા છેક છેડે પહોંચવાનું રહે છે. આ માટે 150 સેકન્ડનો સમય આપવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વધુમાં વધુ 2 વાર પીળી લાઇન હિટ કરવાની છૂટ મળે છે, પરંતુ જો 3જી વાર લાઇન હિટ થશે તો અરજદાર ફેલ ગણાશે. રિવર્સ લેતી વખતે ગાડી ભૂલથી પણ આગળ ચલાવવાની કે સીધી બહાર કાઢવાની મનાઈ છે.
  • ઇંગ્લિશ 8 ટ્રેક: સિગ્નલ લીલું થયા બાદ 120 સેકન્ડનો સમય શરૂ થાય છે. નક્કી કરેલી દિશા મુજબ અંગ્રેજીના 8 આકારમાં ગાડી ચલાવવાની હોય છે. આમાં 2 વારથી વધુ કર્બ હિટ થાય તો નાપાસ ગણાશે. આ તબક્કામાં ગાડીને 3 સેકન્ડથી વધુ સમય માટે ઊભી રાખી શકાતી નથી કે રિવર્સ પણ લઈ શકાતી નથી.
  • પેરેલલ પાર્કિંગ: આ તબક્કો સૌથી અઘરો માનવામાં આવે છે. સિગ્નલ લીલું થયા બાદ ગાડી આગળ લઈ જઈને રિવર્સમાં આપેલા બોક્સમાં પેરેલલ પાર્ક કરવાની હોય છે. આ માટે 130 સેકન્ડનો સમય મળે છે. આમાં એકપણ વાર કર્બ કે પીળી લાઇનને સ્પર્શ કરવાની છૂટ નથી. યોગ્ય રીતે ગાડી પાર્ક થઈ જતાં જ સામે ડિસ્પ્લે બોર્ડ પર 'Vehicle Parked Move Ahead' લખાઈને આવી જાય છે.

ટુ-વ્હીલરની ટેસ્ટ આપનારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું?
ટુ-વ્હીલર ટેસ્ટ માટે RTO દ્વારા સરપેન્ટાઈન ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ શરૂ થાય એટલે અરજદારે 60 સેકન્ડની અંદર આખો ટ્રેક પૂર્ણ કરવાનો હોય છે. આ ટેસ્ટ માટેની મુખ્ય શરતો નીચે મુજબ છે:

  • અરજદારે બતાવેલી ચોક્કસ દિશામાં જ વાહન ચલાવવાનું રહેશે.
  • ટ્રેકની બંને બાજુ આપેલી પીળી લાઇનો પર વાહન ટચ થવું જોઈએ નહીં.
  • સૌથી મહત્ત્વનો અને કડક નિયમ એ છે કે ટેસ્ટ દરમિયાન કોઈ પણ સમયે અરજદારે પગ જમીન પર કે નીચે મૂકવાનો નથી.
  • જો મુસાફરી દરમિયાન પગ નીચે મૂકાશે તો તેને 'ફૂટફોલ' ગણીને સિસ્ટમ દ્વારા તુરંત જ નાપાસ જાહેર કરવામાં આવશે.
  • આ તમામ શરતોનું પાલન કરીને 60 સેકન્ડની અંદર ટ્રેક પૂર્ણ કરનાર અરજદારને જ ટુ-વ્હીલર ટેસ્ટમાં સફળ જાહેર કરવામાં આવે છે.