વટવામાં કોળુ, કોર્ન ફ્લોરથી સોસ બનાવાયો! માધુપુરામાં મહાવીર ઘી ભંડારના નમૂના ફેલ, 1140 કિલો ઘી જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Food Department raid : અમદાવાદ શહેરમાં ફૂડ વિભાગની કડક કાર્યવાહી વચ્ચે પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને હાનિકારક પદાર્થોનો ઉપયોગ ઘટવાના બદલે વધી રહ્યો છે. માધુપુરામાં આવેલી અડવાણી માર્કેટ સ્થિત મહાવીર ઘી ભંડારમાંથી અગાઉ દેશી ઘી (રામસન્સ) અને શુદ્ધ ઘી (નોવા)ના નમૂના લઈ તપાસમાં મોકલાયા હતા. આ નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અહીં 15 કિલોના એક એવા 79 ટીન મળી ઘીના કુલ 1180 કિલો જથ્થાને સીઝ કરાયો છે, જેની કિંમત લાખો રૂપિયામાં થાય છે.
વટવામાં સોસ બનાવવા કોળુ અને કોર્નફ્લોરનો ઉપયોગ
વટવાના ગ્રીન પાર્ક પાસે અલ અક્સનગર ખાતે ટોમેટો સોસ સહિતના ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એમ.એસ. ફૂડ પ્રોડક્ટ્સ નામના એકમમાં ભારે ગંદકી અને પેકેજિંગના નિયમોનો ભંગ જોવા મળ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) નું લાયસન્સ મેળવ્યા વગર જ ચાલતા આ ઉત્પાદન સબબ અહીં દરોડા પાડવામાં આવ્યા હતા. આ એકમમાંથી સોયા સોસ, ચીલી સોસ, ચટણી, કોળુ અને કોર્ન ફ્લોર વગેરે વસ્તુઓનો 2516 કિલો જથ્થો સ્થગિત કરાઈને એકમ સીલ કરાયો છે.
વેજલપુરમાં નમકીનમાં સિન્થેટિક ફૂડ કલરનો વપરાશ
વેજલપુર ગામમાં બુટભવાની મંદિર પાસે માતૃશ્રી ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાં તૈયાર કરવામાં આવતા નમકીનમાં પ્રતિબંધિત એવા સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા 150 કિલો નમકીનનો જથ્થો સ્થગિત કરીને માતૃશ્રી ચવાણા એન્ડ સ્વીટ માર્ટને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.
ચાંદલોડિયામાં પણ ફ્રાય સેન્ટર સામે કાર્યવાહી
ચાંદલોડિયામાં વિશ્વકર્મા મંદિર રોડ પર આવેલા ગુજરાત ફ્રાય સેન્ટરમાં FSSAI ના જરૂરી લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર જ ખાદ્ય પદાર્થોનો વ્યવસાય ચાલતો હતો. આ ઉપરાંત, જાહેર આરોગ્ય જોખમાય તેવી અસ્વચ્છ સ્થિતિના કારણે ફૂડ વિભાગે આ એકમને પણ તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે.




