અમદાવાદ: સાબરમતીથી વારાણસી વચ્ચે નવી ડેઇલી એક્સપ્રેસ ટ્રેન દોડશે, રેલવે બોર્ડે આપી મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarmati Varanasi Express Train: ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે રેલવે બોર્ડ દ્વારા સાબરમતી અને વારાણસી વચ્ચે નવી ડેઇલી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્રેન નંબર 12206/12205 વારાણસી–સાબરમતી એક્સપ્રેસને વહેલી તકે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક LHB કોચ લગાવવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ટ્રેનનું સંચાલન દરરોજ કરવામાં આવશે અને તેની શરૂઆત માટે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત રેલવે ઝોનને સૂચના આપવામાં આવી છે.
વારાણસીથી સાંજે ઉપડશે, બીજા દિવસે સાબરમતી પહોંચશે
રેલવે બોર્ડના આદેશ મુજબ, ટ્રેન નંબર 12206 વારાણસી–સાબરમતી એક્સપ્રેસ વારાણસીથી સાંજે 17:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 20:15 કલાકે સાબરમતી પહોંચશે. પરત ટ્રેન નંબર 12205 સાબરમતી–વારાણસી એક્સપ્રેસ સાબરમતીથી સવારે 5:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 6:30 કલાકે વારાણસી પહોંચશે.
જયપુર, અજમેર અને પાલનપુર સહિતના સ્ટેશનો પર સ્ટોપેજ
આ ટ્રેનને મિર્ઝાપુર, સુબેદારગંજ, ગોવિંદપુરી, ટુંડલા જંક્શન, ઇદગાહ, આગ્રા જંક્શન, ભરતપુર, નદબઈ, ખેરલી, માંડાવર મહુવા રોડ, બાંદીકુઈ, ગાંધીનગર જયપુર, જયપુર, કિશનગઢ, અજમેર, બ્યાવર, મારવાડ, ફાલના, આબુ રોડ, પાલનપુર અને મહેસાણા સહિતનાં સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવશે.
3 LHB રેક સાથે સંચાલન
રેલવે બોર્ડના આદેશ મુજબ, ટ્રેનનું પ્રાથમિક મેઇન્ટેનન્સ વારાણસીમાં કરવામાં આવશે. ટ્રેનના સંચાલન માટે 3 LHB રેક ફાળવવામાં આવશે. ગોવિંદપુરી, ટુંડલા, જયપુર અને અજમેર સ્ટેશનો પર કોચમાં પાણી ભરવાની વ્યવસ્થા રહેશે. ટ્રેન શરૂ કરવાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ રેલવે બોર્ડે વહેલી તકે તેનું સંચાલન શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી છે.




