દેશની પહેલી 'કાર્ગો' વંદે ભારતનું સ્પીડ ટ્રાયલ: સાબરમતીથી મુંબઈ વચ્ચે 130 KM/Hની ઝડપે દોડશે, પશ્ચિમ રેલવે દ્વારા પરીક્ષણ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarmati Mumbai Vande Bharat Freight EMU Speed Trial: દેશની પહેલી વંદે ભારત ફ્રેટ ઇએમયુ (Freight EMU) ટ્રેનનું કોટા-રોલખુર્દ સેક્શનમાં સ્પીડ ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ હવે શનિવાર(12 સપ્ટેમ્બર)થી સબરમતીથી મુંબઈ વચ્ચે ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાયલના ભાગરૂપે શનિવારે સવારે લગભગ 9 વાગ્યે ફ્રેટ ટ્રેન સબરમતીથી મુંબઈ જવા રવાના થઈ હતી. આ ટ્રેન વંદે ભારત પેસેન્જર ટ્રેનની ટેક્નોલોજી પર આધારિત છે અને સામાન્ય માલગાડીની તુલનામાં વધુ ઝડપે ઉચ્ચ મૂલ્ય ધરાવતા તથા સમયસંવેદનશીલ માલ-સામાન અને પાર્સલની હેરફેર માટે તૈયાર કરવામાં આવી છે.
કોટા ખાતે 130 કિ.મી.ની ઝડપે ટ્રાયલ
વંદે ભારત ફ્રેટ ટ્રેનનું પશ્ચિમ મધ્ય રેલવેના કોટા-રોલખુર્દ સેક્શનમાં સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ દરમિયાન ટ્રેનની ઝડપ 130 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચાડવામાં આવી હતી. ટ્રેનની મહત્તમ ઓપરેશનલ સ્પીડ 160 કિ.મી. પ્રતિ કલાક સુધીની છે.
આ ટ્રાયલમાં માત્ર ઝડપ જ નહીં પરંતુ ઊંચી ઝડપે ટ્રેનની કામગીરી અને સલામતી સંબંધિત વિવિધ ટેક્નિકલ પાસાંની પણ તપાસ કરવામાં આવી હતી.
ટ્રાયલ દરમિયાન આ બાબતોની ચકાસણી
સબરમતી-મુંબઈ રૂટ પર ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન નીચેની બાબતોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.
- ટ્રેક્શન સિસ્ટમની કામગીરી અને પાવર સપ્લાય.
- ઊંચી ઝડપે બ્રેકિંગ સિસ્ટમની કાર્યક્ષમતા.
- ટ્રેનના જર્કનું સ્તર અને મુસાફરી દરમિયાન સ્થિરતા.
- રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ દ્વારા ઊર્જા બચતની કામગીરી.
- ટ્રેનની થર્મલ ક્ષમતા અને ગરમી નિયંત્રણ.
- ઝડપ વધારતી વખતે ટ્રેનનું એક્સેલરેશન અને ડીસેલરેશન.
- ટ્રેક સાથે ટ્રેનની સુસંગતતા અને રનિંગ સ્ટેબિલિટી.
- ઓટોમેટિક ડોર લોકિંગ તથા અન્ય સલામતી પ્રણાલીઓની કામગીરી.
16 કોચની સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેન
વંદે ભારત ફ્રેટ ઇએમયુ 16 કોચની સેલ્ફ-પ્રોપેલ્ડ ઇએમયુ રેક છે. તેનું નિર્માણ ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી(ICF) દ્વારા કરવામાં આવ્યું છે. સામાન્ય માલગાડીની જેમ આ ટ્રેનને અલગથી એન્જિન ખેંચતું નથી. વંદે ભારતની જેમ સમગ્ર ટ્રેન સેટમાં પાવર વિતરિત કરવામાં આવ્યો છે.
આ ટેક્નોલોજીના કારણે ટ્રેન ઝડપથી એક્સેલરેટ થઈ શકે છે અને માલસામાનને ઓછા સમયમાં તેના ગંતવ્ય સુધી પહોંચાડવામાં મદદ મળી શકે છે.
દવાઓ અને ખાદ્ય પદાર્થો માટે કોલ્ડ-ચેન સુવિધા
વંદે ભારત ફ્રેટ ટ્રેનમાં સમયસંવેદનશીલ અને ઝડપથી ખરાબ થઈ શકે તેવા માલસામાન માટે ખાસ સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં દવાઓ, ખાદ્ય પદાર્થો અને અન્ય પેરિશેબલ વસ્તુઓ માટે રેફ્રિજરેટેડ તથા કોલ્ડ-ચેન પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. સામાનની ઝડપી લોડિંગ અને અનલોડિંગ માટે ન્યુમેટિક રિટ્રેક્ટેબલ રોલર ફ્લોરિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. તેના કારણે પાર્સલ હેન્ડલિંગનો સમય ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સુરક્ષા માટે કવચ સિસ્ટમ
ટ્રેનમાં ભારતીય રેલવેની ઓટોમેટિક એન્ટિ-કોલિઝન સિસ્ટમ ‘કવચ’ તેમજ ઓટોમેટિક ડોર-લોકિંગ સિસ્ટમ જેવી આધુનિક સલામતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સામાન્ય માલગાડીથી કેવી રીતે અલગ?
વંદે ભારત ફ્રેટ EMU | સામાન્ય માલગાડી |
સેલ્ફ-પ્રોપેલ્ડ ઇએમયુ ટેક્નોલોજી | અલગ લોકોમોટિવ દ્વારા ખેંચાય છે |
મહત્તમ ઓપરેશનલ સ્પીડ 160 કિ.મી. | સામાન્ય રીતે ઓછી ઝડપે સંચાલન |
સમયસંવેદનશીલ પાર્સલ માટે ડિઝાઇન | મોટા પ્રમાણમાં પરંપરાગત માલસામાનની હેરફેર |
કોલ્ડ-ચેન અને રેફ્રિજરેટેડ સુવિધા | સામાન્ય રીતે આવી વિશેષ સુવિધા નથી |
સમગ્ર ટ્રેનમાં વિતરિત પાવર સિસ્ટમ | મુખ્ય એન્જિન આધારિત પાવર |
નિયમિત સેવા અંગે હજુ જાહેરાત બાકી
હાલમાં વંદે ભારત ફ્રેટ ટ્રેનનું સંચાલન પરીક્ષણ તબક્કામાં છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ જરૂરી સલામતી મંજૂરી અને પ્રમાણપત્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રેલવે દ્વારા હજુ સુધી આ ટ્રેનની નિયમિત માલ પરિવહન સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. સબરમતી-મુંબઈ રૂટ પરનું આ સ્પીડ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ટ્રેનની કામગીરી, સલામતી અને વ્યવસાયિક ઉપયોગિતા અંગે વધુ મૂલ્યાંકન કરવામાં આવશે.




