ઊંચા ભાવે બહારની એજન્સીઓને કામ આપવાની પદ્ધતિ પર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ બ્રેક મારી, એમ્પેનલ એજન્સીઓને જ કામ આપવા અપાઈ સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં રોડ, બ્રિજ અને બિલ્ડિંગનાં કામો માટે બહારની એજન્સીઓને ઊંચા ભાવે કામ સોંપવાની પદ્ધતિ પર હવે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ બ્રેક મારી છે. કોર્પોરેશન દ્વારા ડિઝાઇન કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (TPI) અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) માટે એજન્સીઓનું એમ્પેનલમેન્ટ કરવામાં આવે છે. તેમ છતાં એમ્પેનલમાં સામેલ ન હોય તેવી એજન્સીઓને પણ કામ સોંપવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતાં કમિટીએ હવે આ પ્રક્રિયા પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય કર્યો છે. હવે સામાન્ય સંજોગોમાં એમ્પેનલ થયેલી એજન્સીઓને જ કામ આપવાનું રહેશે. જો એમ્પેનલ બહારની એજન્સીને કામ સોંપવું હોય તો તેના યોગ્ય કારણો સાથે સંબંધિત કમિટીની મંજૂરી મેળવવી પડશે.
કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં વિવિધ રોડ, બ્રિજ અને બિલ્ડિંગનાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવે છે. આ પ્રોજેક્ટ્સ માટે ડિઝાઇન તૈયાર કરાવવા ડિઝાઇન કન્સલ્ટન્ટ, કામની ગુણવત્તા અને કામગીરીની ચકાસણી માટે TPI તેમજ પ્રોજેક્ટના સંચાલન અને દેખરેખ માટે PMCની સેવાઓ લેવામાં આવે છે. આ ત્રણેય સેવાઓ માટે કોર્પોરેશન દ્વારા એજન્સીઓનું એમ્પેનલમેન્ટ તૈયાર કરવામાં આવે છે. જોકે, આ વ્યવસ્થા હોવા છતાં એમ્પેનલમાં સામેલ ન હોય તેવી એજન્સીઓને પણ કામ આપવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આવી એજન્સીઓને ઊંચા ભાવે કામ સોંપાતું હોવાની બાબત પણ સામે આવી હતી. આથી હવે એમ્પેનલ બહારની એજન્સીઓને સીધું કામ સોંપવાની પદ્ધતિને બદલે કમિટીની મંજૂરીની પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે.
એમ્પેનલ બહારની એજન્સી માટે કમિટીની મંજૂરી લેવી પડશે- કમિટી ચેરમેન
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનએ જણાવ્યું કે, રોડ, બ્રિજ અને બિલ્ડિંગનાં કામો માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ, TPI અને PMCની એજન્સીઓનું એમ્પેનલમેન્ટ તૈયાર કરવામાં આવે છે. તેમ છતાં એમ્પેનલમાં ન હોય તેવી એજન્સીઓને પણ કામ આપવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેથી હવે એમ્પેનલ બહારની કોઈ એજન્સીને કામ આપવું હોય તો તે માટે યોગ્ય કારણ સાથે સંબંધિત કમિટીમાં દરખાસ્ત લાવવી પડશે. આવી મંજૂરી પણ માત્ર ખાસ કિસ્સામાં જ આપવામાં આવશે.
બહારની એજન્સીઓ પરનો ખર્ચ ઘટાડવા ડિઝાઇન સેલ બનાવાશે
બીજી તરફ, કોર્પોરેશનમાં પોતાનું ડિઝાઇન યુનિટ અથવા ડિઝાઇન સેલ બનાવવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં વિવિધ વિકાસકાર્યો માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ, TPI અને PMCની સેવાઓ બહારની એજન્સીઓ પાસેથી લેવામાં આવે છે, જેના માટે કોર્પોરેશનને લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જો કોર્પોરેશનમાં જ નિષ્ણાતોની ટીમ તૈયાર કરીને આ કામગીરી ઇનહાઉસ કરવામાં આવે તો બહારની એજન્સીઓ પરની નિર્ભરતા અને ખર્ચ ઘટાડી શકાય તેવી શક્યતા છે.
વિકાસકાર્યોની ગુણવત્તા સુધારવાની સાથે અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરી શકાશે
ચેરમેનના જણાવ્યા મુજબ, ડિઝાઇન કન્સલ્ટન્ટ, TPI અને PMCની કામગીરી માટે કોર્પોરેશનમાં જ ડિઝાઇન યુનિટ બનાવવું જોઈએ, જેથી શક્ય તેટલું કામ ઇનહાઉસ થઈ શકે. તેનાથી વિકાસકાર્યોની ગુણવત્તા સુધરવાની સાથે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી શકાશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ડિઝાઇન સેલ બનાવવાની કાર્યવાહી કરવા જણાવાયું છે.




