Ahmedabad

ગુજરાતમાં સાયબર ક્રાઈમની પ્રગતિ! 2016માં 362 કેસ હતા, જે 2026માં વધીને 1 લાખ થઈ ગયા

By GS Team
9 Nov 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સાયબર ક્રાઇમ બેકાબૂ બન્યું છે. 2016માં 362 કેસ હતા, જે 2026માં 1 લાખનો આંક વટાવી ગયા છે. કોરોનાકાળમાં ઓનલાઈન વ્યવહારો વધતા ઠગાઈનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ગુજરાત પોલીસ 2019થી સક્રિય હોવા છતાં, લોકજાગૃતિના અભાવે સાયબર ગઠિયાઓ ફાવી રહ્યા છે. ચાઈનીઝ ગઠિયાઓ કમ્બોડિયા, મ્યાનમાર જેવા દેશોમાંથી કોલ સેન્ટરો ચલાવી યુવાનોને છેતરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં સાયબર ક્રાઈમની પ્રગતિ! 2016માં 362 કેસ હતા, જે 2026માં વધીને 1 લાખ થઈ ગયા
AI IMAGE

Increase in Gujarat cyber crime : એક સમય હતો કે જ્યારે દિવાળીના તહેવારોમાં ઘર બંધ હોય ત્યારે ઘરફોડ ચોરી ન થાય તે માટે પૂરતી તકેદારી રખાતી હતી. સમય બદલાતાં હવે ઘર ઉપરાંત બેન્ક ખાતાંમાંથી ઓનલાઈન ચોરી ન થઈ જાય તે માટે સતર્ક રહેવું પડે છે. ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનું સાયબર ક્રાઈમ વર્ષ 2015-16ના અરસામાં શરૂ થયું હતું. વર્ષ 2026માં દશકો થયો છે ત્યારે સાયબર ચીટિંગનું નેટવર્ક આંતરરાષ્ટ્રીય અને બેકાબૂ બની ચૂક્યું છે.

સાયબર ઠગાઈ સામે ગુજરાત પોલીસ 2019થી કાર્યરત થઈ ગઈ પણ લોકજાગૃતિનો અભાવ

ગુજરાતમાં જ વર્ષ 2016માં સાયબર ઠગાઈના 362 ગુના નોંધાયા હતા તે ચાલુ વર્ષ 2026માં એક લાખનો આંક વટાવી ચૂક્યાં છે. જાણકારો કહે છે કે, વર્ષ 2020થી કોરોનાના બે વર્ષના સમયગાળામાં ઓનલાઈન વ્યવહારો વધતાં સાયબર ગઢિયાઓને જાણે ફાવતું જીડી ગયું હતું. ઓનલાઈન અને મોબાઈલ ફોન ઉપર બેન્કિંગ કામગીરીનો પૂરતો અનુભવ ન ધરાવનારા નાગરિકો આજની તારીખે સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા છે. ગુજરાત પોલીસ છેતરપિંડીના સાયબર ક્રાઈમ સામે વર્ષ 21019થી સક્રિય છે પણ હજુ લોકજાગૃતતાનો અભાવ હોવાથી સાયબર ગઠિયાઓ ફાવી રહ્યા છે તે હકીકત છે.

ઈન્ટરનેટના વ્યાપ સાથે સાયબર ક્રાઈમમાં વધારો

ઇન્ટરનેટ અને આધુનિક મોબાઈલ ફોનનો વ્યાપ વધવા સાથે સાયબર ઠગાઈના કિસ્સામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હજારો રૂપિયાથી કરોડો રૂપિયા સુધીની ઓનલાઈન ઠગાઈના દર વર્ષે એક લાખથી વધુ કેસ ગુજરાત પોલીસ પાસે કોરોના પછીથી આવી રહ્યાં છે. એ વાત અલગ છે કે, આમાંથી નોંધપાત્ર ગુના જ પોલીસ ચોપડે ચડી રહ્યાં છે.

2015માં ઓનલાઈન ચીટિંગની વાત પોલીસ કે કોઈ માનતું નહોતું!

જાણકાર પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે, વર્ષ 2015-16ના ગાળામાં સાયબર ક્રાઈમ આચરીને લોકો સાથે છેતરપિંડી થતી હોવા મુદ્દે સ્થાનિક પોલીસ આશંકિત રહેતી હતી. પોલીસ જ નહીં ભોગ બનનારની વાત તેમના નજીકના લોકો પણ માનવા તૈયાર નહોતાં. વર્ષ 2016માં ગુજરાતમાં સાયબર ક્રાઈમના 362 ગુના નોંધાયાં હતાં. વર્ષ 2019 સુધી ગુજરાતમાં પ્રતિવર્ષ સાયબર ક્રાઈમનો આંક 800થી વધ્યો નહોતો. પરંતુ, કોવિડ-19 એટલે કે વર્ષ 2019ના અંત ભાગમાં કોરોના આવ્યો તે પછી વર્ષ 2020નું વર્ષ સાયબર ચીટિંગમાં ઉછાળા માટે કારણભૂત બની રહ્યું હતું. જો કે, આ શરૂઆત પહેલાં ગુજરાત પોલીસ સક્રિય બની ચૂકી હતી અને સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2020માં હેલ્પલાઈન પણ શરૂ કરી હતી.

image.png

કોરોનાના બે વર્ષના સમયગાળામાં સાયબર છેતરપિંડીનું નેટવર્ક બેકાબૂ

વર્ષ 2020માં ગુજરાતમાં સાયબર ક્રાઈમના કુલ 1,283 ગુના નોંધાયા હતા. પણ, કોરોનાના પગલે લોકો ઘરોમાં કેદ થતાં બે વર્ષ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ વધ્યો સાથે જ ઓનલાઈન બેન્કિંગ પણ વધ્યું હતું. અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોનથી બેન્કિંગ અને ઓનલાઈન ખરીદી અને ચૂકવણીઓ શરૂ કરી હતી. આ વર્ષો દરમિયાન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપનો ઉપયોગ વધવા સાથે જ બ્લેકમેઇલિંગ, નકલી પ્રોફાઈલ બનાવવી, નકલી એકાઉન્ટ બનાવવા, મહિલાઓની પ્રોફાઈલ મોર્ફ કરી બદનામી અને સ્ટોકિંગ સહિતની ગુનાખોરીમાં ઉછાળો આવ્યો હતો.

ડિજિટલ ફ્રોડ આચરવા ચાઈનીઝ ગઠિયાઓ સક્રિય

વિતેલા ચાર વર્ષ દરમિયાન ડિજિટલ ફ્રોડ આચરવા ચાઈનીઝ ગઠિયાઓ સક્રિય બન્યાં હતાં અને કમ્બોડિયા, મ્યાનમાર, રશિયા સહિતના દેશોમાં કોલ સેન્ટર્સ ખોલીને ભારતમાંથી યુવકો, યુવતીઓને નોકરીના બહાને બોલાવી બંધક રાખી છેતરપિંડીના કોલ, મેસેજીસ કરવામાં આવી રહ્યાં છે. હવે તો સાયબર ગઠિયાઓ કયા સ્વરૂપે મેસેજ મોકલે અને છેતરપિંડીના માયાજાળમાં ફસાઈ જવાય તે કોઈ નિશ્ચિતપણે કહી શકતું નથી.