Ahmedabad

અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક, રાજસ્થાનની બે મહિલા મુસાફરો સાથે છરીના ઘા ઝીંકી લૂંટ, બન્ને આરોપી ઝડપાયા

By GS Team
14 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના નારોલ વિસ્તારમાં રાજસ્થાનથી આવેલી બે મહિલાઓને રિક્ષામાં બેસાડી છરીના ઘા ઝીંકી રૂ. 91 હજારની લૂંટ ચલાવનાર બંને આરોપીઓને દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે CCTV ફૂટેજ અને અંગત બાતમીદારોની મદદથી રિક્ષાચાલક અને તેના સાગરીતની ધરપકડ કરી લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પૈસાની લાલચમાં રીઢા ગુનેગારે રિક્ષાચાલકને સાથે રાખી આ લૂંટનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક, રાજસ્થાનની બે મહિલા મુસાફરો સાથે છરીના ઘા ઝીંકી લૂંટ, બન્ને આરોપી ઝડપાયા
AI IMAGE

Ahmedabad rickshaw gang robbery : અમદાવાદના નારોલ વિસ્તારમાં રાજસ્થાનથી આવેલી બે મહિલાઓને રિક્ષામાં બેસાડી છરીના ઘા ઝીંકી રૂ. 91 હજારની લૂંટ ચલાવનાર બંને આરોપીઓને દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે CCTV ફૂટેજ અને અંગત બાતમીદારોની મદદથી રિક્ષાચાલક અને તેના સાગરીતની ધરપકડ કરી લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પૈસાની લાલચમાં રીઢા ગુનેગારે રિક્ષાચાલકને સાથે રાખી આ લૂંટનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના પાલી જિલ્લાના ધનાપુરા ગામે રહેતાં 52 વર્ષીય મહિલા અને સિરોહી જિલ્લાના ભેવ ગામે રહેતાં તેમનાં નણંદ 11 નવેમ્બરની રાત્રે ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવવા નીકળ્યાં હતાં. રામોલના અદાણી સર્કલ પાસે દેવસ્ય સિટીમાં રહેતા સંબંધીનું ઓપરેશન થયું હોવાથી બંને તેમનાં ખબરઅંતર પૂછવા આવ્યાં હતાં.

અંધારાનો લાભ લઈ રિક્ષા ઉભી રાખી મહિલાઓ સાથે લૂંટ

12 નવેમ્બરે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બંને મહિલાઓ ગીતામંદિર ખાતે ઊતર્યાં હતાં. ત્યારબાદ સવા ચાર વાગ્યે રામોલ જવા માટે રિક્ષામાં બેઠાં હતાં. રિક્ષામાં ચાલક ઉપરાંત પહેલેથી જ એક અજાણ્યો શખ્સ બેઠેલો હતો. બંનેને રામોલ લઈ જવાને બદલે રિક્ષાચાલક અંધારાનો લાભ લઈ અજાણ્યા રસ્તે થઈ નારોલ ખાતે એક ગલીમાં લઈ ગયો હતો. સવારે પાંચેક વાગ્યે રિક્ષા ઊભી રાખી પંચર પડ્યું હોવાનું કહી બંને મહિલાઓને નીચે ઊતરવા કહ્યું હતું.

જોકે, મહિલાઓએ રિક્ષામાંથી ઊતરવાની ના પાડતાં ચાલકે સીટ નીચેથી છરી કાઢી હુમલો કર્યો હતો. મહિલાએ બચવા હાથ આડો કરતાં તેમના જમણા હાથના પંજા અને ડાબા હાથના કાંડામાં છરી વાગી હતી. તેમણે બૂમાબૂમ કરતાં સાથેના શખ્સે તેમનું મોઢું દબાવી દીધું હતું. જ્યારે બીજા શખ્સે મહિલા પર છરીથી હુમલો કરતાં તેમના ડાબા હાથે ઈજા થઈ હતી.

મહિલાઓને છરીના ઘા ઝીંકી સોનાની લૂંટ

બંને મહિલાઓને ઈજા પહોંચાડ્યા બાદ લૂંટારુઓએ મહિલાના કાનમાં પહેરેલાં આશરે રૂ.80 હજારની કિંમતનાં સોનાનાં ઝુમ્મર ખેંચી લીધાં હતાં. આ ઉપરાંત રૂ.8 હજારની કિંમતનો મોબાઈલ અને રૂ. 3 હજાર રોકડા ભરેલું પર્સ પણ લૂંટી લીધું હતું. કુલ રૂ.91 હજારની મતા લૂંટી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા.

ગીતામંદિરથી નારોલ સુધીના CCTV ફૂટેજ તપાસાયા

ઈજાગ્રસ્ત હાલતમાં બંને મહિલાઓ થોડે દૂર જઈ બીજી રિક્ષામાં સિંગરવા ખાતે રહેતા સંબંધીના ઘરે પહોંચ્યાં હતાં. ત્યારબાદ સિંગરવા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 25થી 30 વર્ષની વયના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગીતામંદિરથી નારોલ સુધીના CCTV ફૂટેજ તપાસી તેમજ બાતમીદારોને સક્રિય કરી બંને આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસે બન્ને આરોપી ઝડપી લૂંટનો મુદ્દામલ જપ્ત કર્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાને ઓળખતા હતા. છૂટક મજૂરી કરતા આરોપીએ પૈસાની લાલચમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને રિક્ષાચાલકને પૈસાની લાલચ આપી ગુનામાં સામેલ કર્યો હતો. પોલીસે બંને પાસેથી સોનાના ઝુમ્મર, મોબાઇલ અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. લૂંટનો પ્લાન ઘડનાર આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ અગાઉ મણિનગર અને કાલુપુર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી અને લૂંટ જેવા 6 ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે રિક્ષાચાલક વિરુદ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગના બે ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.