Ahmedabad

સોનાના દાગીનામાં રેનિયમ અને ઈરેડિયમની ભેળસેળ, જાણો કેવી રીતે અસલિયતની ખરાઇ કરશો

By GS Team
22 Nov 20263 mins read
TukuTouch Logo
સોનાના દાગીનામાં ભેળસેળની આશંકા વચ્ચે જ્વેલરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા GJC દ્વારા ગ્રાહકોને સાવચેત રહેવાની ચેતવણી અપાઈ છે. રેનિયમ અને ઈરિડિયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરીને દાગીનાનું વજન વધારવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી છે. BIS પણ આ મામલે ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. ગ્રાહકોએ BIS Care એપનો ઉપયોગ કરી હોલમાર્કની ખરાઈ કરવી અને પાકું બિલ લેવાની સલાહ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનાના દાગીનામાં રેનિયમ અને ઈરેડિયમની ભેળસેળ, જાણો કેવી રીતે અસલિયતની ખરાઇ કરશો

Gold Jewellery Adulteration Warning : સોનાના દાગીના ખરીદતા ગ્રાહકો સાથે શુદ્ધતાના નામે છેતરપિંડી થતી હોવાની આશંકા વચ્ચે જ્વેલરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થાએ ગ્રાહકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. સોનાની શુદ્ધતા વધાર્યા વિના દાગીનાનું વજન વધારવા રેનિયમ અને ઈરિડિયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો સામે આવી છે. આ અંગે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) દ્વારા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ને સતર્ક કરવામાં આવ્યું છે.

ભેળસેળ બાબતે સરકાર સતર્ક

કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સોનાના દાગીનામાં સંભવિત ભેળસેળના અહેવાલો સામે આવ્યા બાદ આ મામલે સાવચેતી રાખવાની જરૂર છે. BIS પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે અને આવા કિસ્સાઓ પર નજર રાખી રહ્યું હોવાનું કાઉન્સિલે જણાવ્યું છે. ભેળસેળ અથવા ખોટી ગુણવત્તા દર્શાવતા કેટલાક જ્વેલર્સ સામે પખવાડિયા પહેલાં કાર્યવાહી કરવામાં આવી હોવાની સાથે નોટિસો પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. ભારત સહિત ગુજરાતમાં આ પ્રકારની સમસ્યા ગંભીર બની રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રાહકોને ખાસ કરીને અસામાન્ય રીતે ઓછા મેકિંગ ચાર્જ અથવા આકર્ષક ડિસ્કાઉન્ટની ઓફરની લાલચમાં ન આવવાની સલાહ આપવામાં આવી છે.

BIS Care એપથી હોલમાર્કની ખરાઈ કરી શકાશે

સોનાના દાગીના ખરીદતી વખતે ગ્રાહકો હોલમાર્કની ખરાઈ કરવા માટે BIS Care એપનો ઉપયોગ કરી શકે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. દાગીના પરનો હોલમાર્ક અને 6 અક્ષરનો આલ્ફા-ન્યુમેરિક HUID નંબર એપમાં દાખલ કરીને હોલમાર્કની વિગતો તપાસી શકાય છે. એપમાં દાગીનાના હોલમાર્કિંગની વિગતો દર્શાવવામાં આવે છે. ગ્રાહકો દાગીના ખરીદતાં પહેલાં મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી HUID નંબર જોઈને એપમાં તેની ખરાઈ કરી શકે છે. જો એપમાં નંબર દાખલ કર્યા બાદ કોઈ વિગતો ન મળે અથવા દાગીનાની શુદ્ધતા અને પ્રકાર દર્શાવેલી વિગતો સાથે મેળ ન ખાતો હોય, તો તે દાગીનો ખરીદવાનું ટાળવું જોઈએ. જો ખોટા હોલમાર્ક અથવા ભેળસેળની શંકા હોય તો BIS Care એપમાં ઉપલબ્ધ ફરિયાદના વિકલ્પ દ્વારા રજૂઆત પણ કરી શકાય છે.

પાકું બિલ લેવું, જાણીતા જ્વેલર્સ પાસેથી જ ખરીદી કરવી

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે ગ્રાહકોને જાણીતા અને વિશ્વસનીય જ્વેલર્સ પાસેથી જ સોનાના દાગીના ખરીદવાની અપીલ કરી છે. દાગીના ખરીદતી વખતે હોલમાર્ક અને HUIDની ખરાઈ કરવા ઉપરાંત GSTનું પાકું બિલ લેવું પણ જરૂરી છે. બિલમાં સોનાની શુદ્ધતા અને વજનનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. જો દાગીનાની ગુણવત્તા અંગે છેતરપિંડી બહાર આવે તો બિલના આધારે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી ન્યાય મેળવવાનો માર્ગ પણ ખુલ્લો રહે છે. કાઉન્સિલે દેશભરના 6 લાખથી વધુ વેપારીઓ ઉપરાંત ગ્રાહકોને પણ સોનાની ગુણવત્તા અંગે સતર્ક રહેવા અને કોઈ શંકાસ્પદ ભેળસેળ કે છેતરપિંડી જણાય તો તાત્કાલિક કાઉન્સિલ અથવા BISનો સંપર્ક કરવા અપીલ કરી છે. સોનાની ખરીદીમાં ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા જ્વેલર્સ, ઉત્પાદકો, હોલસેલર્સ અને સપ્લાયર્સ દ્વારા વેચવામાં આવતા સોનાની ગુણવત્તા પર કડક નજર રાખવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે.