Ahmedabad

અમદાવાદ: પિકઅપ ડાલામાં આવીને તીક્ષ્ણ હથિયારો સાથે યુવકની હત્યા, રાણીપ પોલીસે 8 આરોપીઓને ઝડપ્યા

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુભાષ સર્કલ પાસે અંગત અદાવતમાં રણછોડભાઈ ઉર્ફે અજય સાલવીની હત્યા થઈ હતી. આરોપીઓ અંકિત પરમાર, સાગર પરમાર અને વિશાલ ચૌહાણ સહિત 7-8 સાગરીતોએ તલવાર-છરી જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. પોલીસે 4-5 ટીમો બનાવી, CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરી. આ ગુનામાં વપરાયેલા વાહન સાથે 8 આરોપીઓને છત્રાલ GIDCમાંથી ઝડપી પાડ્યા છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પિકઅપ ડાલામાં આવીને તીક્ષ્ણ હથિયારો સાથે યુવકની હત્યા, રાણીપ પોલીસે 8 આરોપીઓને ઝડપ્યા

Ahmedabad News: અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષ સર્કલ પાસે રવિવારે(16 ઓગસ્ટ) વહેલી સવારમાં એક મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં ફરિયાદી ભરત લક્ષ્મણભાઈ સાલવીના સગા રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી પર અંગત અદાવત રાખીને આરોપીઓ અંકિત પીતાંબર પરમાર, સાગર ઉર્ફે માફિયા પીતાંબર પરમાર અને વિશાલ પરષોત્તમ ચૌહાણ સહિત અન્ય સાતથી આઠ સાગરીતો સાથે મળીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ વહેલી સવારે સુભાષભાઈ સર્કલ ખાતે પિકઅપ ડાલામાં તલવાર, ધારિયા અને છરી જેવા હથિયારો સાથે આવ્યા હતા અને રણછોડભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પિકઅપ ડાલામાં આવીને તીક્ષ્ણ હથિયારો સાથે યુવકની હત્યા

આ બનાવ બાદ આરોપીઓને શોધી કાઢવા માટે અલગ-અલગ 4થી 5 ટીમો બનાવવામાં આવી હતી. આ તમામ ટીમોને સીસીટીવી કેમેરા તપાસવા, નજરજોનાર સાક્ષીઓની પૂછપરછ કરવા અને ગુનામાં વપરાયેલા વાહનની તપાસ કરવાની સૂચના આપી હતી, જેના આધારે તાત્કાલિક અમદાવાદ શહેર અને આજુબાજુના જિલ્લાઓ જેવા કે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં નાકાબંધી કરાવી હતી તથા પ્રાંતિજ જેવા ટોલનાકા પર વોચ ગોઠવી દીધી હતી.

ત્યારબાદ ટેકનિકલ ઇન્ફોર્મેશન અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, ગુનામાં વપરાયેલું વાહન ઉદયપુરમાં પાયલ મારવાડીના નામે નોંધાયેલું હતું, જેને છેલ્લા થોડા સમયથી રાજેશભાઈ ભોય નામનો વ્યક્તિ ચલાવતો હતો. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મળેલી બાતમીઓ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વાહન છેલ્લે છત્રાલ જી.આઈ.ડી.સી. (GIDC)ની અંદર જોવામાં આવ્યું હતું.

8 આરોપીઓને તાત્કાલિક દબોચી લીધા

આ માહિતીના આધારે ટીમોએ સાથે મળીને ત્યાં છાપો માર્યો હતો અને સ્થળ પરથી ગુનામાં વપરાયેલા વાહન સાથે 8 આરોપીઓને તાત્કાલિક દબોચી લીધા. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, અંકિત પીતાંબર પરમાર અને વિશાલ પરષોત્તમ ચૌહાણના કહેવાથી તેઓએ રણછોડભાઈ સાલવી પર ધારદાર હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ તેઓ અંકિત પરષોત્તમ પરમારના કહેવાથી ત્યાં છુપાયેલા હતા.

આ તમામ આરોપીઓને રાણીપ પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે આ કેસના અન્ય ફરાર વોન્ટેડ આરોપીઓ અંકિત પીતાંબર પરમાર, પાર્થ ઉર્ફે પાવડર અને વિશાલ ચૌહાણની શોધખોળ ચાલુ છે અને ટૂંક સમયમાં જ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે.