રાજસ્થાનનો વોન્ટેડ આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો: કૌટુંબિક અદાવતમાં હત્યા કરી હતી, વેજલપુરમાં રહી કરતો હતો જમીન દલાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતાં રાજસ્થાનના પાલી જિલ્લામાં વર્ષ 2002માં થયેલી હત્યાના ગુનામાં છેલ્લા 24 વર્ષથી નાસતા-ફરતા આરોપીને વેજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી કૌટુંબિક મિલકતના વિવાદમાં કારની ટક્કર મારીને હત્યા કર્યા બાદ આ ઘટનાને અકસ્માતમાં ખપાવી ઓળખ છુપાવીને રહી રહ્યો હતો.
કૌટુંબિક મિલકતના વિવાદમાં કરી હતી હત્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગળી ગામમાં વર્ષ 2002માં કૌટુંબિક મિલકત બાબતે માથાકૂટ ચાલી રહી હતી. જેને પગલે આરોપી દિનેશ દેસાઈ અને તેના સાથીદારોએ દલારામ નાઈ નામના શખસની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. દલારામ જ્યારે બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર વડે જોરદાર ટક્કર મારી તેની હત્યા નિપજાવી હતી. આ કેસમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ અગાઉ પકડાઈ ગયા હતા, જ્યારે દિનેશ દેસાઈ ફરાર થઈ ગયો હતો.
બનાસકાંઠાથી અમદાવાદ આવી ઓળખ છુપાવી મજૂરી કરી
હત્યા આચર્યા બાદ આરોપી સૌપ્રથમ પોતાના વતન કાંકરેજ (બનાસકાંઠા) ભાગી ગયો હતો. ત્યાં પોલીસ ત્રાટકતાં તે અમદાવાદ આવી ગયો હતો અને સાંતેજ તથા વેજલપુર વિસ્તારમાં ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ મજૂરી કામ કરવા લાગ્યો હતો. પકડાઈ જવાના ડરે તેણે વેજલપુરમાં જ ૫થી 6 જેટલાં મકાનો બદલ્યાં હતાં.
રાજ્ય અને રાજ્ય બહારના લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, 24 વર્ષ જૂના આ હત્યા કેસનો આરોપી દિનેશ દેસાઈ વેજલપુરના સાગર સમ્રાટ ફ્લેટમાં પરિવાર સાથે રહીને હાલ જમીન દલાલીનું કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી તેની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




