અમદાવાદ: AIથી બોગસ ટિકિટ બનાવી રેલવેમાં મુસાફરી કરવાનું રેકેટ! ચેકિંગમાં ફૂટ્યો ભાંડો, મુખ્ય સૂત્રધાર સહિત 3 ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Railway Fake Ticket Fraud: પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની સતર્કતાથી ગુગલ AI(Google AI) એપ્લિકેશનના માધ્યમથી બોગસ રેલવે ટિકિટ બનાવી મુસાફરી કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રેલવે તંત્ર તથા રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને બનાવટી ટિકિટ પર મુસાફરી કરનારા બે ઈસમો અને બોગસ ટિકિટ બનાવી આપનાર મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખસોને ઝડપી લઈ જેલહવાલે કરવામાં આવ્યા છે.
ટ્રેનમાં તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો
15 ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ વાંકાનેર જંક્શન સ્ટેશનેથી ઉપડ્યા બાદ, ડ્યુટી પર તૈનાત મુખ્ય ટિકિટ નિરીક્ષક(CTI) નિયમિત ટિકિટ તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કોચ H-1 અને S-1ના કોરિડોરમાં ઉભેલા બે મુસાફરો પાસે ટિકિટ માંગતા તેઓએ પોતાના મોબાઇલમાં માસિક સીઝન ટિકિટ(MST) તથા મુસાફરી ટિકિટ બતાવી હતી.
ટિકિટમાં ભારત સરકારનું નામ, રેલવેનો સત્તાવાર લોગો અને સિક્કાઓ શંકાસ્પદ જણાતાં CTIએ તાત્કાલિક કમર્શિયલ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને પહોંચતાં જ બંને મુસાફરોને રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)ને સોંપી દેવામાં આવ્યા હતા.
ગુગલ AI વડે બનાવટી ટિકિટ બનાવી વોટ્સએપ પર મોકલી હતી
આ મામલે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ- 336(3), 340(2), 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની સર્વેલન્સ ટીમે હાથ ધરેલી તપાસમાં સામે આવ્યું હતું કે, પકડાયેલા મુસાફરો પાસે મળેલી નકલી ટિકિટ ગોંડલ ખાતે રહેતા મનમોહન નામના શખસે ગૂગલ AI(Google AI) એપ્લિકેશનનો ઉપયોગ કરીને બનાવી હતી. તેણે આ નકલી ટિકિટ પોતાના મોબાઈલમાંથી વોટ્સએપ મારફતે મિત્રને મોકલી હતી, જેનો મુસાફરીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
મુખ્ય સૂત્રધારની ગોંડલથી ધરપકડ
રાજકોટ રેલવે પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે ગણતરીના કલાકોમાં મુખ્ય કાવતરાખોર મનમોહનને ગોંડલ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.




