પંજાબની ઈન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસ: વધુ 3 આરોપીઓની ગુજરાત ATS અને વલસાડ SOGએ ધરપકડ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Made Sandhu Murder Case: પંજાબના અમૃતસરમાં ત્રીજી ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની કરાયેલી હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. આ હત્યા કેસમાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા અને ગુજરાતમાં આશરો લીધેલા 3 વોન્ટેડ આરોપીઓને ગુજરાત એ.ટી.એસ. (ATS) અને વલસાડ એસ.ઓ.જી. (SOG)ની સંયુક્ત ટીમે સફળ ઓપરેશન હાથ ધરીને દબોચી લીધા છે. આરોપીઓને પંજાબ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.
અમૃતસરમાં ગોળી મારીને કરાઈ હતી હત્યા
મળતી માહિતી મુજબ, પંજાબના અમૃતસરમાં લોરાહકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક ત્રીજી ઓક્ટોબરના રોજ મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની બે અજાણ્યા શખસો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસના આરોપીઓ અંગે CIA પંજાબ દ્વારા ગુજરાત ATSને ચોક્કસ બાતમી આપવામાં આવી હતી. આ બાતમીના આધારે ગુજરાત ATSએ તપાસ હાથ ધરી હતી. જેમાં આ કેસમાં સંડોવાયેલા પંજાબના તરંતારન જિલ્લાના ત્રણ આરોપીઓ હરસિમરનજિત સિંહ ઉર્ફે સિમુ સિંગ્ગા, ફતેહ સિંહ અને અરમાન સિંહ વલસાડ જિલ્લાના વાપી ખાતે છુપાયેલા છે અને ત્યાંથી અન્યત્ર ભાગી જવાની ફિરાકમાં છે.
વલસાડ SOG સાથે સંકલન કરી વાપીથી ઝડપી પાડ્યા
આરોપીઓ પોલીસ પકડમાંથી છટકી ન જાય તે માટે સમયસૂચકતા વાપરીને ગુજરાત ATSએ તાત્કાલિક આરોપીઓનું લોકેશન અને અન્ય મહત્ત્વની માહિતી વલસાડ SOG સાથે શેર કરી હતી. વલસાડ SOGની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને વાપી વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓને ધરપકડ કરી હતી. ત્યારબાદ ગુજરાત ATSની ટીમ આ ત્રણેય ઈસમોને કચેરીએ લાવી સઘન પૂછપરછ કરી હતી, જેમાં આરોપીઓએ આ હત્યા કેસમાં પોતાની સક્રિય ભૂમિકા હોવાની અને સમગ્ર ઘટનાની રેકી કરી હોવાની કબૂલાત કરી હતી.
આ અંગે પંજાબ પોલીસને સત્તાવાર જાણ કરવામાં આવતા,10મી ઓક્ટોબરના રોજ પંજાબ પોલીસની ટીમ ગુજરાત આવી પહોંચી હતી અને ત્રણેય આરોપીઓનો કબજો મેળવી આગળની કાનૂની કાર્યવાહી માટે તેમને પંજાબ ખાતે રવાના થઈ હતી.
ઉલ્લેખનીય છેકે, આગઉઅમૃતસરમાં ઘટનાને અંજામ આપીને અમદાવાદ નાસી આવેલા મુખ્ય આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.




