અમદાવાદમાં ખાડારાજ, 25 દિવસમાં 5000થી વધુ ખાડા, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Roads Turn Into Pothole Menace: અમદાવાદ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદી રાઉન્ડમાં જ માર્ગો પર ખાડા પડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. મળતી વિગતો અનુસાર, છેલ્લા 25 દિવસમાં વરસાદી વાતાવરણમાં શહેરના માર્ગો પર પાંચ હજારથી વધારે નાના-મોટા પોટહોલ્સ એટલે ખાડા પડ્યાં છે. પરિણામે અમદાવાદમાં ‘રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા…’ તેવી સ્થિતિ સર્જાઈ છે. અલબત્ત મ્યુનિસિપલના દાવા અનુસાર ચાર હજારથી વધુ ફરિયાદો સમારકામ કરીને ક્લોઝ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ફરિયાદો, ચાર હજાર ફરિયાદો ક્લોઝ!
અમદાવાદ શહેરમાં જુલાઈ માસના છેલ્લા સપ્તાહથી વરસાદ શરૂ થયો હતો. ત્યારે 15મી જુલાઈથી 25 દિવસમાં રસ્તા પર ખાડા પડવાની 5,015 ફરિયાદો નોંધાઈ છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે અને ત્યારબાદ બીજા ક્રમે દક્ષિણ ઝોન આવે છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ફરિયાદો સામે આવી છે. જોકે, નોંધાયેલી આ ફરિયાદો પૈકી 4,124 ફરિયાદો ઉકેલીને ક્લોઝ કરી દેવામાં આવી હોવાનો દાવો પણ તંત્રે કર્યો છે. આ સિવાય 349 જગ્યાએ સમારકામ બાકી હોવાથી ફરિયાદો ઓપન છે અને 241 જગ્યાએ સમારકામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આટલા મોટા પ્રમાણમાં રસ્તાના ખાડા પૂરાયા હોવા છતાં હજી પણ અનેક રસ્તાઓ પર ખાડા યથાવત છે. બીજી તરફ આજે જ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પણ રસ્તાના નવા અને સમારકામના કામોમાં સ્કાડા સિસ્ટમ અમલી બનાવવાની ભલામણ કરી છે. કારણ કે શહેરમાં અત્યારે આવી કોઈ સંકલિત વ્યવસ્થા નથી. અધિકારીઓ કાગળ પર જે આંકડા બતાવે તે માની લીધા સિવાય કોઈ છૂટકો નથી. 2022માં સ્કાડાના અમલીકરણનો પરિપત્ર થયો હતો.









