Ahmedabad

સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડાવાની શક્યતા, વિજાપુર અને હિંમતનગરના 8 ગામોને ઍલર્ટ કરાયા

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
મહેસાણાના હીરપુરા બેરેજમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની સતત આવક વધી રહી છે. જળસ્તર જાળવી રાખવા આજે બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ વધારાનું પાણી છોડવામાં આવશે. વિજાપુર અને હિંમતનગર તાલુકાના 8 નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદીપટમાં ન જવા, પશુઓને દૂર રાખવા અને જોખમી પ્રવૃત્તિઓથી બચવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડાવાની શક્યતા, વિજાપુર અને હિંમતનગરના 8 ગામોને ઍલર્ટ કરાયા

Mehsana News: સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સતત પાણીની આવક વધી રહી છે. જળસ્તર જાળવી રાખવા અને બેરેજના સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા વધારાનું પાણી છોડવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે (26મી જુલાઈ) બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યાની આસપાસ જરૂરિયાત મુજબ પાણી છોડવામાં આવી શકે છે. જેને પગલે મહેસાણા જિલ્લાના વિજાપુર અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નદી કાંઠાના ગામોને તાત્કાલિક અસરથી સાવચેત કરી દેવામાં આવ્યા છે.

ઉપરવાસના વરસાદથી જળસ્તરમાં સતત વધારો

છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા નોંધપાત્ર વરસાદના કારણે હીરપુરા બેરેજમાં ગત ૨૩ જુલાઈથી જળસ્તર વધવાનું શરૂ થયું હતું. હાલમાં બેરેજમાં અંદાજે 900 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. બેરેજની માળખાકીય સલામતી અને જળસ્તરનું યોગ્ય નિયંત્રણ જાળવવા માટે વધારાના પાણીનો નિકાલ કરવો અનિવાર્ય બન્યો છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આગોતરા સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે.

આ ગામોના ગ્રામજનોને ઍલર્ટ કરાયા

•સંભવિત જળ પ્રવાહને ધ્યાનમાં રાખીને બે જિલ્લાના કુલ 8 ગામોના લોકોને તાત્કાલિક ધોરણે ચેતવણી આપવામાં આવી છે.
•વિજાપુર તાલુકો (મહેસાણા): હીરપુરા, ગણેશપુરા, જુનાસંઘપુર અને ધનપુરા
•હિંમતનગર તાલુકો (સાબરકાંઠા): દેરોલ, સરોલી, ગેડ અને વાગપુર

સંબંધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટોને ગ્રામ્ય સ્તરે સંકલન સાધીને જરૂરી તમામ પગલાં લેવા આદેશ કરી દેવાયા છે.

તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા

•વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને કડક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
•અવરજવર પર પ્રતિબંધ: સ્થાનિક રહીશો અને ખેડૂતોને નદીના પટમાં કે કિનારાના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
•પશુઓની સુરક્ષા: પશુઓને કોઈપણ સંજોગોમાં નદી તરફ ન લઈ જવા.
•જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવું: નદીમાં સ્નાન કરવા, કપડાં ધોવા કે માછીમારી કરવા જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.