અમદાવાદમાં માત્ર 5 ઈંચ વરસાદમાં પોશ વિસ્તારો બેટમાં ફેરવાયા: SBR, બોપલ અને આંબલીમાં ઘૂંટણસમા પાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ, બોપલ, ઘુમા, શેલા, બોડકદેવ, આંબલી, થલતેજ, સેટેલાઈટ, જોધપુર સહિતના વિસ્તારોમાં ફરી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. બે કલાકના વરસાદમાં જ બોપલના સ્ટર્લિંગ સિટી, આંબલીના સેન્ટોસા પાર્ક જેવી સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા હતા. જુલાઈમાં વરસાદ પર દોષનો ટોપલો નાંખી મ્યુનિસિપલે પોતાની લાજ બચાવી લીધી હતી. પરંતુ સોમવારે (14મી સપ્ટેમ્બર) ચાર-પાંચ ઈંચ વરસાદમાં જ 15 ઈંચ જેટલા પાણી ભરાઈ જતા મ્યુનિસિપલની આબરૂ ધોવાઈ ગઈ છે.
દોઢેક માસમાં મ્યુનિસિપલ વરસાદી પાણીના નિકાલ માટે હંગામી વ્યવસ્થા ગોઠવી શક્યું નહીં
અમદાવાદના પોશ વિસ્તારોની હાલત ગામડા કરતા પણ બદતર થઈ રહી છે. સોમવારે વરસેલા વરસાદમાં જ બોપલના સ્ટર્લિંગ સિટી સેક્ટર 'એ' અને 'બી' તેમજ આંબલીના સેન્ટોસા પાર્કમાં ફરી પાણી ઘુસી ગયા હતા. હજુ જુલાઈમાં જ આ વિસ્તારોમાં આર્મી બોલાવી, હોડીઓ ચલાવી સ્થાનિકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યાનુસાર, સ્ટર્લિંગ સિટી સેક્ટર અને 'બી' વચ્ચેનો રસ્તો થલતેજ અને બોડકદેવ વોર્ડને જુદો પાડે છે. ત્યારે વોર્ડની હદના વિવાદમાં સ્ટોર્મવોટર લાઈનના કામ અટવાયા છે. બીજી બાજુ સિંધુભવન રોડ, ક્લબ ઓ-7 રોડ, કર્ણાવતી ક્લબથી ઈસ્કોન સુધીના રસ્તા પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા.

જુલાઈ બાદ વરસાદી પાણીના નિકાલ માટે હંગામી વ્યવસ્થા ઊભી કરવા મ્યુનિસિપલને દોઢેક મહિનાનો સમય મળ્યો હતો. તેમ છતાં કામગીરીના દેખાડા માટે રસ્તા ખોદવા સિવાય કામ આગળ વધ્યું નથી. જેથી સોમવારે વરસેલા ચારથી પાંચ ઈંચ વરસાદમાં જ ફરી વીઆઈપી ગણાતા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જુલાઈમાં કોર્પોરેટરો, મંત્રીઓ આવીને મુલાકાત લઈ ગયા પણ કામ થયું કે નહીં તે ચકાસવાની કોઈએ તસ્દી લીધી નહીં.

અમદાવાદમાં વરસાદની સાથે-સાથે
•નેહરુનગર એસટી પિકઅપ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થતા મુસાફરો અટવાયા.
•પેલેડિયમ મોલ પાસેનો સર્વિસ રોડ જળમગ્ન.
•વસ્ત્રાપુર તળાવથી અમદાવાદ આલ્ફા વન મોલના રસ્તા પર જળબંબાકાર.
•હિમાલય મોલ પાસે ફરી દુકાનોમાં પાણી ઘુસી ગયા.
•પરિમલ ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઈન બેક મારતા ગટરના પાણી ભરાયા.
•પ્રહલાદનગરના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા.
•મકરબા પોલીસ હેડ ક્વાર્ટર પાસે ગટરના પાણીના ફુવારા ઊડ્યા.
•નારણપુરામાં અંકુર ચાર રસ્તા પર ચારેકોર પાણી-પાણી.
•થલતેજ ગામ જાણે જળાશયમાં ફેરવાયું.
•એસજી હાઈવે પર ચક્કાજામ.
•આરટીઓ સર્કલ પાસે પાણી ભરાતા વાહનોની કતારો લાગી.
•મણિનગર સ્ટેશન રોડ પર પાણીની નદીઓ વહી.
•એપરેલ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ટ્રેક્ટર પાણીમાં ફસાયું.
•માણેકબાગમાં વાહનો બંધ પડતા ધક્કા મારવા પડ્યા.
•સાબરમતી નદી છલકાતા રિવરફ્રન્ટના વોકવે પાણીમાં.
•હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયો, વાહનો ફસાયા.
•નિકોલના શુકન ચાર રસ્તા પાસે સોસાયટીઓમાં પાણી ઘુસ્યા.




