VIDEO: અમદાવાદ કન્ટ્રોલ રૂમનો કોન્સ્ટેબલ જ દારૂની હેરાફેરીમાં પકડાયો, થલતેજથી ગાડી મળી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની દારૂના હેરાફેરી કેસમાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. થલતેજના જીવનદીપ સર્કલ નજીકથી મળેલા બિનવારસી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કેન મળી કુલ 415 બોટલો જપ્ત કરવામાં આવી હતી. જેમાં કેસની ઊંડાણપૂર્વક તપાસમાં આ કાર અને દારૂ કન્ટ્રોલ રૂમના કોન્સ્ટેબલનો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.
જીવનદીપ સર્કલ પાસેથી દારૂ ભરેલી કાર મળી હતી
વસ્ત્રાપુર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત 5 જુલાઈના રોજ થલતેજ જીવનદીપ સર્કલ પાસે આવેલા AMTS બસ સ્ટેન્ડ નજીક એક બિનવારસી કાર પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી વિવિધ બ્રાન્ડની 313 દારૂની બોટલો અને 102 બિયરના કેન મળી કુલ ₹1.01 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત કુલ ₹2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વચેટિયાની ધરપકડ બાદ પોલીસમેનનું નામ ખુલ્યું
તપાસ દરમિયાન પોલીસે 8 જુલાઈના રોજ નારણપુરા ખાતે રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા 26 વર્ષીય ચિરાગભાઈ વીરાજીભાઈ ચૌધરીની ધરપકડ કરી હતી. ચિરાગની પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ ગાડી અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશોકભાઈ જોઈતાભાઈ પટેલની છે. અશોક પટેલના કહેવાથી જ તે દારૂ ભરેલી કાર બસ સ્ટેન્ડ પાસે મુકી આવ્યો હતો અને આ દારૂ અન્ય વ્યક્તિને ડિલિવર કરવાનો હતો.
e-GujCop અને RTO રેકોર્ડથી માલિકી ચકાસાઈ
ચિરાગના નિવેદન બાદ વસ્ત્રાપુર પોલીસે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી(RTO) અને e-GujCop એપ્લિકેશન મારફતે કારની માલિકી ચકાસતાં તે અશોક જોઈતાભાઈ પટેલના નામે જ નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું.
પુરાવા એકત્ર કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસે 10 ઓગસ્ટના રોજ રાત્રે 8.10 વાગ્યાની આસપાસ થલતેજ ખાતે રહેતા અને કન્ટ્રોલ રૂમમાં તૈનાત 37 વર્ષીય કોન્સ્ટેબલ અશોક પટેલની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, અશોક પટેલ અગાઉ પણ આઈપીસી અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ એક કેસમાં પકડાઈ ચૂક્યો છે.
પોલીસે હાલમાં કોન્સ્ટેબલ અશોક પટેલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.









