અમદાવાદ: સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના આરોપીનું બાપુનગર પોલીસ કસ્ટડીમાં મોત, હાર્ટ એટેકથી જીવ ગયાનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

POCSO Accused Death In Bapunagar Police Custody, Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યુવતી સાથે વર્ષ 2019માં થયેલા દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજતાં ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે, પીડિતા જ્યારે માત્ર 13 વર્ષની સગીરા હતી ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા અહેમદ અસલમભાઈ અન્સારી નામના શખસે તેને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે સગીરાને મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવીને દુષ્કર્મ આચર્યું હતું અને આ સમગ્ર કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો.
સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના આરોપીનું બાપુનગર પોલીસ કસ્ટડીમાં મોત
આ ઘટના બાદ આરોપીએ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પીડિતાને સતત બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને ડરનો માહોલ ઊભો કરી પીડિતા પાસેથી અશ્લીલ તસવીરો પણ મંગાવી હતી. તાજેતરમાં જ્યારે પીડિતાએ વધુ તસવીરો મોકલવાનો ઇનકાર કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા આરોપી અહેમદે તે અશ્લીલ વીડિયો યુવતીના ભાઈ અને તેના મંગેતરને બતાવી દીધો હતો, જેના કારણે યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. આ ગંભીર બાબતે પીડિતાની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી અહેમદ અન્સારીની ધરપકડ કરી હતી.
બાપુનગર પોલીસ દ્વારા આરોપી અહેમદ અન્સારીની ધરપકડ કર્યા બાદ જ્યારે પોલીસ સ્ટેશનમાં તેની સઘન પૂછપરછ ચાલી રહી હતી, ત્યારે અચાનક આરોપીની તબિયત લથડી હતી. પૂછપરછ દરમિયાન જ આરોપીને અચાનક ખેંચ આવતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોલીસ દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આરોપીનું મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો, જેના પ્રાથમિક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે આરોપીનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું હતું. હાલમાં આ સમગ્ર પ્રકરણમાં બાપુનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.









