અમદાવાદમાં પેમેન્ટ એપ્લિકેશનનું સર્વર હેક કરી વેપારી સાથે લાખોની ઠગાઇ, 3 કલાકમાં 80 ટ્રાન્જેક્શન કરી 43.57 લાખ સેરવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સાયબર ઠગોએ વેપારીને નિશાન બનાવી તેના ખાતામાંથી કૂલ રૂ.43.57 લાખ સેરવી લીધા છે. ઓનલાઈન ટ્રાન્જેક્શન સર્વિસ પ્રોવાઈડ કરતી કંપની ધરાવતા વેપારીના સર્વરની સી-પેનલ (c-Panel) હેક કરી ગઠિયાઓએ API આઈડી અને પાસવર્ડ મેળવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજાણ્યા હેકરો અને બેન્ક ખાતેધારકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી પ્રમાણે, નવા નરોડા વિસ્તારમાં 38 વર્ષીય વેપારી 'નિલકંઠ કોમ્યુનિકેશન' નામે ઓફિસ ચલાવે છે. આશરે 250 જેટલા રિટેલર્સ તેમની કંપનીની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશનના આઈડી-પાસવર્ડ એપ ડેવલપર પાસે હતા. મની ટ્રાન્સફર સેવા માટે સુરતની એક કંપની પાસેથી API સર્વિસ લેવામાં આવી હતી.
26 સપ્ટેમ્બરના રોજ એક ક્લાયન્ટ દ્વારા વેપારીને ફોન કરીને જણાવાયું કે, એપ્લિકેશનમાં ટ્રાન્જેક્શન ફેલ થઈ રહ્યા છે. જેથી વેપારીએ લોગિન કરીને જોતા તેમાંથી નાણા કપાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. વેપારી દ્વારા ડેવલપરનો સંપર્ક કરતા તેમણે સર્વરની સી-પેનલ હેક થઈ હોવાનું અને તેમાંથી નાણા ટ્રાન્સફર થયા હોવાનું જણાવ્યું હતું. જે મામલે વેપારી દ્વારા 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
80થી વધુ ટ્રાન્જેક્શન કરી રૂ.43.57 લાખ સેરવ્યા
26 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યાથી 15:45 સુધીના ગાળામાં સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ આચરવામાં આવ્યું હતું. હેકરોએ વિવિધ બેન્ક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરી કુલ રૂ.43.57 લાખ સેરવી લીધા હતા. માત્ર 3 કલાકમાં કુલ 80થી વધુ ટ્રાન્જેક્શન કરીને રકમની ઉપાડી લેવામાં આવી હતી.




