Ahmedabad

અમદાવાદમાં ઓક્સિજન પાર્ક કે અસામાજિક તત્ત્વોનો અડ્ડો? દારૂની બોટલો મળી આવતા સુરક્ષા સામે ગંભીર સવાલો

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નિકોલ વોર્ડમાં ઓક્સિજન પાર્ક અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. પાર્કમાંથી દારૂની બોટલો મળી આવતા નશાખોરીની મહેફિલ જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા રામભરોસે હોવાથી સ્થાનિકોમાં રોષ છે. કોર્પોરેશને કમ્પાઉન્ડ વોલ બનાવવાની અને બેદરકારી બદલ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ગાર્ડન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ઓક્સિજન પાર્ક કે અસામાજિક તત્ત્વોનો અડ્ડો? દારૂની બોટલો મળી આવતા સુરક્ષા સામે ગંભીર સવાલો

Ahmedabad Nikol Oxygen Park Controversy : અમદાવાદ શહેરના નિકોલ વોર્ડમાં આવેલા ઓક્સિજન પાર્કને લઈને એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ જાહેર પાર્ક અસામાજિક તત્વો માટેનો અડ્ડો બની ગયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પાર્કમાંથી દારૂની બોટલો મળી આવતા અહીં અસામાજિક તત્વો દ્વારા નશાખોરીની મહેફિલ જામતી હોવાની આશંકા પ્રબળ બની છે. પાર્કમાં પ્રવેશ મેળવવા માટે અસામાજિક તત્વો બાજુમાં આવેલા ફૂડ કોર્ટનું કાપડ ફાડીને અંદર પ્રવેશતા હોવાની માહિતી સામે આવી છે. જાહેર જનતા માટે વિકસાવવામાં આવેલા આ પાર્કમાં આ પ્રકારની ગતિવિધિઓથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા રામભરોસે

મહાનગરપાલિકા દ્વારા શહેરના ગાર્ડન અને ઓક્સિજન પાર્ક જેવા જાહેર સ્થળોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. તેમ છતાં, ઓક્સિજન પાર્કમાંથી દારૂની બોટલો મળી આવતા સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જો રાત્રિના સમયે પણ સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હાજર હોય, તો પછી અસામાજિક તત્વો પાર્કમાં કેવી રીતે પ્રવેશી શકે અને ત્યાં દારૂની મહેફિલો કેવી રીતે જામી શકે તે એક મોટો સવાલ છે. આ લાપરવાહીના કારણે ગાર્ડનની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કોર્પોરેશનના અધિકારીનું આશ્વાસન અને કમ્પાઉન્ડ વોલ બનાવવાની જાહેરાત

આ સમગ્ર મામલે કોર્પોરેશનના સંબંધિત અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. હવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાર્ક ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત, પાર્કમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ પર હાજર હતા કે નહીં તેની પણ સઘન તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન સિક્યુરિટીની કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી પકડાશે, તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

ગાર્ડન વિભાગની કામગીરી સામે ઉઠતા સવાલો

સ્થાનિક વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોર્પોરેશનનો ગાર્ડન વિભાગ સ્થળ પર નિયમિત દેખરેખ રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. ગાર્ડન વિભાગના અધિકારીઓ દ્વારા નિયમિત સ્થળ મુલાકાત લેવામાં આવતી નથી. સામાન્ય રીતે જ્યારે સોશિયલ મીડિયા પર કોઈ વીડિયો વાયરલ થાય અથવા બહારથી કોઈ ફરિયાદ આવે, ત્યારે જ તંત્ર હરકતમાં આવે છે અને દેખાડા માટે કાર્યવાહી કરવામાં આવે છે, જેના કારણે ગાર્ડન વિભાગની કામગીરી સામે પણ વ્યાપક રોષ અને સવાલો ઊભા થઈ રહ્યા છે.