અમદાવાદમાં BRTS કોરિડોરમાં બેકાબૂ કારનો કહેર : બે ટુ-વ્હીલરને અડફેટે લેતા 4 ઈજાગ્રસ્ત, ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad road accident : અમદાવાદ શહેરમાં બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા ચાલકોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ સતત જોખમમાં મુકાઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર બ્રિજ નજીક આવો જ વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં પ્રતિબંધિત એવા BRTS કોરિડોરમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી એક કારે બે ટુ-વ્હીલરને ટક્કર મારતા કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટક્કર માર્યા બાદ બેકાબૂ બનેલી કાર સીધી કોરિડોરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી.
બેકાબૂ કારે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા
મળતી માહિતી પ્રમાણે, ઘોડાસર બ્રિજ નજીકના માર્ગ પર એક કાર અત્યંત પૂરઝડપે પસાર થઈ રહી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, કારનો ચાલક નશાની હાલતમાં ધૂત થઈને બેફામ રીતે વાહન હંકારી રહ્યો હતો. નશાના કારણે તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર સીધી BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ હતી. બેકાબૂ બનેલી આ કારે માર્ગ પરથી પસાર થઈ રહેલા બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. ટુ-વ્હીલરને ટક્કર માર્યા બાદ પણ કારની ગતિ એટલી તેજ હતી કે તે કોરિડોરની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં બંને ટુ-વ્હીલર પર સવાર કુલ 4 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.
સ્થાનિકોનો ચાલક નશામાં હોવાનો આક્ષેપ, પોલીસ તપાસમાં ટાયર ફાટતા કાબૂ ગૂમાવ્યાનું તારણ
બીજી તરફ, અકસ્માત અંગેની જાણ થતા જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે ચાલુ કારે અચાનક ટાયર ફાટી જવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. આમ, સ્થાનિકો દ્વારા ચાલક નશામાં હોવાના કરાયેલા આક્ષેપ સામે પોલીસ તપાસમાં ટાયર ફાટવાનું કારણ સામે આવ્યું છે.
અકસ્માત મામલે નથી નોંધાઈ કોઈ ફરિયાદ
આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈને ગંભીર કે જીવલેણ ઈજા ન પહોંચી હોવાથી તમામ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવીને ડિસ્ચાર્જ લીધા હતા. નોંધનીય બાબત એ છે કે, આટલો ગંભીર અકસ્માત સર્જાયો હોવા છતાં અને જાહેર મિલકત એવી BRTS રેલિંગને નુકસાન થયું હોવા છતાં, આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.




