ગુજરાતની 14534 પંચાયત પૈકી ફક્ત 75ને જ 'એ' ગ્રેડ મળ્યો, કેન્દ્રના આંકડામાં કડવું 'સત્ય' સામે આવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દેશભરની ગ્રામ પંચાયતોના વહીવટી અને વિકાસકીય પ્રદર્શનને ચોક્કસપણે માપવા માટે 'પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ' અમલમાં મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આ અહેવાલના આંકડાઓએ ગુજરાતના કહેવાતા પ્રચલિત 'વિકાસ મોડેલ'ની વાસ્તવિક પોલ ખોલી નાખી છે. રાજ્યની કુલ 14,538 ગ્રામ પંચાયતોમાંથી માત્ર 75 પંચાયતો જ સર્વોચ્ચ 'એ' ગ્રેડ મેળવવામાં સફળ રહી છે.
ગ્રેડિંગના મુખ્ય માપદંડો અને મૂલ્યાંકન
પંચાયતોના આ મૂલ્યાંકનમાં ગરીબી મુક્તિ, આજીવિકાની તકો, ગામડાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે પાકા રસ્તા અને વીજળી, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતાની સ્થિતિ, આરોગ્ય સેવાઓ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ પારદર્શક સુશાસન જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સામેલ કરાયા હતા. આ સિસ્ટમ હેઠળ 0 થી 100 ના સ્કોરના આધારે પંચાયતોનું ગ્રેડિંગ નક્કી કરવામાં આવે છે.
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાછળ
દેશના અન્ય રાજ્યો સાથે તુલના કરીએ તો ગુજરાતનું પ્રદર્શન ઘણું નબળું સાબિત થયું છે. તેલંગાણામાં 624, આંધ્ર પ્રદેશમાં 581, ઓડિશામાં 555, મહારાષ્ટ્રમાં 315 અને તમિલનાડુમાં 167 પંચાયતોએ 'એ' ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે વિકાસની મોટી મોટી વાતો કરતું ગુજરાત રાજ્ય માત્ર 75 પંચાયતો સાથે આ યાદીમાં ઘણું પાછળ રહી ગયું છે.
ગુજરાતની પંચાયતોના વિવિધ ગ્રેડની સ્થિતિ
ગુજરાતની ગ્રામ પંચાયતોના ગ્રેડિંગ પર નજર કરીએ તો, માત્ર 75 પંચાયતોને 'એ' ગ્રેડ મળ્યો છે, જ્યારે સૌથી વધુ 11,873 પંચાયતો 'બી' ગ્રેડમાં અને 2,781 પંચાયતો 'સી' ગ્રેડમાં અટકી ગઈ છે. આ દર્શાવે છે કે ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય અને બાળ કલ્યાણ જેવા પાયાના ક્ષેત્રોમાં હજુ પણ ભારે ઉદાસીનતા સેવાઈ રહી છે.
સુધારા માટે જમીની સ્તરે સખત મહેનત જરૂરી
રાજ્યમાં સરકારી તિજોરીઓ છલકાતી હોય અને કરોડો રૂપિયાની ગ્રાતો ફાળવાતી હોય છતાં ગામડાઓ પાયાની સુવિધાઓમાં પાછળ કેમ છે તે મોટો પ્રશ્ન છે. માત્ર કાગળ પરની યોજનાઓથી ગામડાઓનો સાચો ઉદ્ધાર નહીં થાય. જો ગુજરાતની પંચાયતોને ફરી મોખરે લાવવી હશે, તો રાજ્ય સરકાર અને ચૂંટાયેલા સભ્યોએ રાજકારણમાંથી બહાર આવીને વાસ્તવિક જમીની સ્તરે સખત મહેનત કરવી પડશે.









